24 April, 2026 11:18 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
BJPના ઉમેદવાર સુભેન્દુ સરકારની TMCના કાર્યકર્તાઓએ દોડાવી-દોડાવીને મારપીટ કરી હતી અને તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સમયે ગઈ કાલે સાઉથ મિદનાપુર જિલ્લાની કુમારગંજ બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સુભેન્દુ સરકાર પર હુમલો થયો હતો અને તેમણે ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. બીજી તરફ આસનસોલમાં BJPનાં ઉમેદવાર અગ્નિમિત્રા પૉલની કાર પર પથ્થરમારો થયો હતો. મુર્શિદાબાદમાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને મુસ્લિમ નેતા હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
સુવેન્દુ સરકાર પર હુમલાના વાઇરલ થયેલા એક વિડિયોમાં સુવેન્દુ સરકાર હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે અને તેમની સાથે તેમનો સુરક્ષાગાર્ડ પણ છે. જોકે એમ છતાં ટોળાએ તેમને માર માર્યો હતો. આ મુદ્દે સુવેન્દુ સરકારે કહ્યું હતું કે કુમારગંજ વિધાનસભા મતવિસ્તારમાં ૮-૧૦ સ્થળોએ અમારા મતદાન-એજન્ટોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, પરંતુ મેં જઈને તેમને પાછા બોલાવી લીધા હતા. જોકે હું બૂથ-નંબર ૨૪ પર ગયો ત્યારે અમારી આખી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો. કેન્દ્રીય દળો મતદાનમથક પર જ હાજર હતાં. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે ફક્ત મારો બૉડીગાર્ડ હતો, બીજું કોઈ અમારી સાથે નહોતું. મમતા બૅનરજી ચૂંટણી હારી ગયાં છે અને તૃણમૂલ કૉન્ગ્રેસ આ વિસ્તારની ચારેય બેઠક હારી રહી છે. હતાશા અને ડરથી તેમણે અમારા પર હુમલો કર્યો હતો.
આસનસોલમાં ચૂંટણીના દિવસે BJPનાં ઉમેદવાર અગ્નિમિત્રા પૉલ મતદાનમથકોની મુલાકાત લઈ રહ્યાં હતાં ત્યારે તેમની કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. તેઓ કારમાં હેલ્મેટ પહેરીને બેઠાં હતાં. બર્નપુરના રહેમતનગર વિસ્તારમાં તેમણે એક બિલ્ડિંગની અંદર બૂથનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યારે તેઓ ત્યાંથી બીજા બૂથ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી એક મોટો પથ્થર તેમની કાર પર પડ્યો હતો જેમાં પાછળની બારીનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. કારમાં રહેલા તેમના સુરક્ષાગાર્ડ અને અંગત મદદનીશને સામાન્ય ઈજા થઈ હતી. અગ્નિમિત્રા પૉલે આને ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો અને ચૂંટણીપંચ પાસે કાર્યવાહીની માગણી કરી હતી. જે વિસ્તારમાં હુમલો થયો છે એ લઘુમતી બહુમતી ધરાવતો વિસ્તાર છે.
બુધવારે મોડી રાતે મુર્શિદાબાદના નૌડા વિસ્તારમાં એક ક્રૂડ બૉમ્બ ફેંકાયો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના વડા હુમાયુ કબીર સવારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમની તૃણમૂલ કૉન્ગ્રેસના સમર્થકો સાથે અથડામણ થઈ હતી. ત્યાર બાદ તેમણે ધરણા-પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલીસ તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો સાથે ગુંડાગીરી કરી રહી છે. અમારા સમર્થકો પર હુમલો થઈ રહ્યો છે. પોલીસે નૌડાકેસમાં ફરિયાદ નોંધી છે અને બે જણની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો પર મતદાન થયું હતું.