અમીરોના આ લિસ્ટમાં ટોચ પર અદાણી, અંબાણી પાછળ રહ્યા

25 November, 2021 01:01 PM IST  |  New Delhi | Agency

અદાણી ઇન્ડસ્ટ્રીઝના શૅર સતત ટ્રેન્ડમાં છે, જ્યારે રિલાયન્સના શૅરોને સાઉદી અરામકોની ડીલ તૂટતાં ભારે ઘસારો પડ્યો છે.

અમીરોના આ લિસ્ટમાં ટોચ પર અદાણી, અંબાણી પાછળ રહ્યા

ગ્રુપ માર્કેટ કૅપિટલાઇઝેશનને આધારે ગૌતમ અદાણીએ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનો તાજ મુકેશ અંબાણી પાસેથી લઈ લીધો હોવાના અહેવાલ આવ્યા છે. અહેવાલો અનુસાર અદાણી ઇન્ડસ્ટ્રીઝના શૅર સતત ટ્રેન્ડમાં છે, જ્યારે રિલાયન્સના શૅરોને સાઉદી અરામકોની ડીલ તૂટતાં ભારે ઘસારો પડ્યો છે. બ્લુમબર્ગ બિલ્યનર્સ ઇન્ડેક્સ અનુસાર આ પહેલાં મુકેશ અંબાણીની નેટવર્થ ૯૧ બિલ્યન ડૉલર (૬૭૭૦ અબજ રૂપિયા) છે, જ્યારે ગૌતમ અદાણી એનાથી માત્ર ર.૪ ટકા ઓછી ૮૮.૮ બિલ્યન ડૉલર (૬૬૦૭ અબજ રૂપિયા) નેટવર્થ પર પહોંચી ગયા છે. ૧ર નવેમ્બરે અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કૅપ ૧૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
છેલ્લા ૧૮ મહિનામાં અદાણીની સંપત્તિમાં ૧૮૦૮ ટકા વધારો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જ ગૌતમ અદાણીની સંપત્તિમાં ૫૫ અરબ ડૉલરની વૃદ્ધિ થઈ છે, જ્યારે અંબાણીની સંપત્તિમાં આ વર્ષે ૧૪.૩ અરબ ડૉલરની વૃદ્ધિ થઈ છે. ૧ર નવેમ્બરે મુકેશ અંબાણીની નેટવર્થ ૯૮.૮ અરબ ડૉલર હતી. જોકે છેલ્લા એક અઠવાડિયામાં રિલાયન્સના શૅર ૧ર ટકા સુધી તૂટ્યા છે. દુનિયાના સૌથી શ્રીમંત બિઝનેસમૅનમાં મુકેશ અંબાણી ૧૧મા સ્થાને અને ગૌતમ અદાણી ૧૪મા સ્થાને છે. 

રિલાયન્સના શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ટ્રાન્સમિશને સારું પરફોર્મ કર્યું છે. શૅરબજારમાં અદાણી ગ્રુપની છ કંપનીઓ લિસ્ટેડ છે, જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગૅસ અને અદાણી પાવર પણ સામેલ છે. 

 

national news new delhi