ઉગ્રવાદમાં સતત વધારો મોટો પડકાર છે : વડા પ્રધાન

18 September, 2021 09:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એસસીઓની મીટિંગને સંબોધતાં અફઘાનિસ્તાન તરફ ઇશારો કરીને મોદીએ કહી આ વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્રવાદના વધતા જોખમ અને એનાથી થતાં નુકસાનો સામે લાલ બત્તી ધરી હતી. ગઈ કાલે શાંઘાઈ કો-ઑપરેશન કાઉન્સિલ (એસ.સી.ઓ.)નાં સભ્ય રાષ્ટ્રોના વડાની ૨૧મી પરિષદમાં વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સહભાગી થતાં નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કો-ઑપરેશન કાઉન્સિલના સભ્ય દેશો સામે શાંતિ અને સુરક્ષા જાળવવા ઉપરાંત પરસ્પર વિશ્વાસમાં ઘટાડાના રૂપમાં પડકારો દર્શાવ્યા હતા.

કાઉન્સિલમાં નવા દેશ ઈરાનનું મોદીજીએ સ્વાગત કર્યું હતું. કાઉન્સિલમાં સંવાદ રૂપે  સહભાગિતા અર્થે જોડાયેલા દેશો સાઉદી અરબ, ઇજિપ્ત અને કતારનું વડા પ્રધાને સ્વાગત કર્યું હતું. શાંઘાઈ કો-ઑપરેશન કાઉન્સિલના વીસમા સ્થાપનાદિન નિમિત્તે સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે બેફામ ઉગ્રવાદને કારણે શાંતિ અને સુરક્ષા સામેનાં જોખમો અફઘાનિસ્તાને ખુલ્લેઆમ દર્શાવ્યાં છે. મધ્ય એશિયા એક વખતમાં ઉદાર અને પ્રગતિશીલ સાંસ્કૃતિક મૂલ્યો માટે પ્રતિષ્ઠિત પ્રદેશ હતો. આ ક્ષેત્રમાં ભાઈચારા અને પ્રેમનો સંદેશ આપતી સૂફીવાદ સહિત અનેક પરંપરાઓ વિકસી છે. એમાં હિંસા અને અશાંતિ ચિંતાજનક છે. દરિયાકિનારા વગરના મધ્ય એશિયાના દેશો સાથે સંબંધો માટે ભારત સદા તત્પર રહે છે. ભારતના વિશાળ બજાર સાથે જોડાતાં સ્વાભાવિક રીતે મધ્ય એશિયાના દેશોને પણ લાભ થશે.

 

મોદીના જન્મદિવસને બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો કૉન્ગ્રેસે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈ કાલે ૭૧મો જન્મદિવસ હતો. બીજેપી મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૨૦ દિવસના સેવા અને સમર્પણ અભિયાન ચલાવશે, જ્યારે કે યુથ કૉન્ગ્રેસે આ દિવસને બેરોજગારી દિવસ તરીકે મનાવ્યો હતો. 

મોદીજીના જન્મદિવસના નામનો ટૉપિક ટ્રેન્ડ થયો હતો જેમાં મોદીજીને બે કરોડ નોકરીઓ ક્યાં છે એવો પ્રશ્ન પૂછનારાઓની યાદીમાં યુવાનો સાથે અને રાજકારણી તથા રિટાયર્ડ આઇએએસ અધિકારીઓ પણ સામેલ હતા. યુવા કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે વડા પ્રધાન મોદીજી પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે દેશ તેમના વડા પ્રધાનને રાષ્ટ્રીય બેરોજગાર દિવસની શુભકામના આપે છે.

ટ્વિટર યુઝર્સે દેશમાં ઑગસ્ટ મહિનામાં ૧૫ લાખ કરતાં વધુ લોકોની નોકરી જવાના મુદ્દે મોદીજીની ટીકા કરતાં બેરોજગારોમાં ગ્રૅજ્યુએટ્સનું પ્રમાણ વધુ હોવાનું કહ્યું હતું. મોદીજીના સત્તા પર આવ્યા બાદ ભારત રોજગારમુક્ત દેશ બન્યો હોવાનું કહી તેમની ટીકા કરી હતી.

અન્ય ટ્વિટર યુઝર્સમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપીના નેતા કીર્તિ આઝાદે લખ્યું હતું કે અચ્છે દિન નહીં તો બુરે દિન હી લૌટા દો મોદીજી.

national news narendra modi