Delhi Elections 2020: સટ્ટાબજાર કહે છે, અબ કી બાર ફિર કેજરીવાલ

08 February, 2020 07:36 AM IST  |  Mumbai | Vivek Agarwal

Delhi Elections 2020: સટ્ટાબજાર કહે છે, અબ કી બાર ફિર કેજરીવાલ

ગઈ કાલે નવી દિલ્હીમાં હનુમાન મંદિરમાં પૂજા કરતા અરવિંદ કેજરીવાલ. (તસવીર : પી.ટી.આઈ.)

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં બીજેપીના નેતાઓ નીચલા સ્તરની વાતો કરતા હોવાના આરોપ મુકાઈ રહ્યા છે ત્યારે પાંચ વર્ષના શાસનના ઊજળા રેકૉર્ડના આધારે ચૂંટણી લડતી મનાતી આમ આદમી પાર્ટી (એએપી-આપ)ની તરફેણમાં સટ્ટાના બુકીઓ હોવાનું કહેવાય છે. એએપી મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે અરવિંદ કેજરીવાલને રજૂ કરે છે. સટ્ટાબજારના દૃષ્ટિકોણથી દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીનાં પરિણામ એકતરફી રહેશે.

વિશેષ રૂપે સટ્ટાબજારના ધુરંધરો આ વખતે બીજેપી અને કૉન્ગ્રેસના પછડાટની તથા એએપીની પૂર્ણ બહુમતની સરકાર રચાવાની આગાહી કરે છે. રાજકીય નિરીક્ષકોનું વિશ્લેષણ ૧૦૦ ટકા એએપીની તરફેણમાં નથી, પરંતુ સટ્ટાબજારમાં અરવિંદ કેજરીવાલ અને એએપી ફેવરિટ હોવાનું કહેવાય છે. જોકે વાસ્તવિક દૃષ્ટિએ લોકસભામાં વડા પ્રધાને રામ મંદિર તીર્થસ્થાન ટ્રસ્ટની જાહેરાત કર્યા પછી બીજેપીને દિલ્હી વિધાનસભામાં બે-પાંચ ટકા બેઠકો વધારે મળતાં કેજરીવાલને નફામાં થોડી ખોટ જવાનો સંભવ છે. વળી લોકસભાની દિલ્હીની ૬ બેઠકો બીજેપી જીતી હોવાથી આ વખતે વિધાનસભામાં એ પક્ષની થોડી બેઠકો વધવાની સંભાવના બુકીઓએ દર્શાવી છે.

એક બુકીએ કહ્યું હતું કે આજે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂરું થયા પછી દિલ્હી પોલીસ ટ્રાફિકની સમસ્યાના નામે શાહીનબાગમાં બળપ્રયોગ કરીને આંદોલનકારીઓને હટાવશે અને એમાં સ્થાનિક લોકો પણ મદદ કરશે, કારણ કે બીજેપીનું લક્ષ્ય દિલ્હી વિધાનસભા પર પૂર્ણ આધિપત્યનું હોવાથી ચૂંટણીનું મતદાન પૂરું ન થાય ત્યાં સુધી શાહીનબાગમાં કાર્યવાહીની બીજેપીના મોવડીઓની ઇચ્છા નથી.

દિલ્હી વિધાનસભાનું ગણિત

દિલ્હી વિધાનસભામાં ૭૦ બેઠકો છે. એમાં ગયા વખતે ૬૭ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ઐતિહાસિક વિજય નોંધાયો હતો અને બીજેપીને ફક્ત ત્રણ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસ તથા અન્ય પક્ષોનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં. આ વખતે પણ લગભગ એવી સ્થિતિ સર્જાવાની ધારણા સટ્ટાના બુકીઓ રાખે છે. બુકીઓનું માનવું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર શાહીનબાગ, નાગરિકતા કાયદા કે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના મુદ્દાની કોઈ અસર થવાની નથી. એએપીએ દલિતો, પછાત વર્ગો અને મુસ્લિમોના વોટ પર આધાર રાખ્યો હોવાનું કહેવાય છે.

દિલ્હીમાં કોની સરકાર?

દિલ્હી વિધાનસભામાં બહુમત માટે ૩૬ બેઠકની જરૂર છે એ દૃષ્ટિએ સરકાર રચવા માટે આશ્ચર્યજનક ભાવ ખૂલ્યા છે. સરકાર રચવા માટે સટ્ટાબજારના ભાવ એએપીના ૧૫ પૈસા, બીજેપીના ૭.૫૦ રૂપિયા અને કૉન્ગ્રેસ માટે ૫૦૦ રૂપિયા છે. મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલનો ભાવ ૧૦ પૈસા અને અન્ય કોઈ મુખ્ય પ્રધાન બનવાનો ભાવ ૧૦ રૂપિયા છે. સટ્ટાબજાર એએપીને ૫૦ બેઠકો અને બીજેપીને પાંચથી પચીસ બેઠકો મળવાની ધારણા રાખે છે. કૉન્ગ્રેસને માંડ એકાદ-બે બેઠકો મળવાની શક્યતા સટ્ટાબજાર દર્શાવે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સટ્ટાબજારમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખેલ મંડાયો છે. સટ્ટાના સોદા ફોન પર નહીંવત્ પ્રમાણમાં નોંધાય છે. મોટા ભાગે મોબાઇલ-ઍપ અને વેબસાઇટ્સ દ્વારા કામ ચાલે છે. મોદી અને બીજેપી સિવાય અન્ય કોઈને મુખ્ય પ્રધાન બનાવતા ભાવ ખૂલ્યા હોય એવું ૨૦૧૪ પછી પહેલી વખત બની રહ્યું છે. જોકે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાઓની ચૂંટણી દરમ્યાન સટ્ટાબાજોનું ગણિત ખોટું પડ્યું હતું. એ સ્થિતિમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પણ બુકીઓની ધારણા અને તેમના અંદાજની સચોટતા કસોટીએ ચડશે એ પણ નિશ્ચિત છે.

new delhi delhi elections arvind kejriwal national news