પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું નિધન

24 August, 2019 12:58 PM IST  |  દિલ્હી

પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું નિધન

દેશના પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું નિધન થયું છે. અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 15 દિવસથી એઈમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમની હાલતમાં કોઈ સુધારો જોવા નહોતો મળ્યો. 

શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે અરૂણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા. દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં અરૂણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા. AIIMSએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે,'ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યા છીએ 24 ઓગસ્ટે 12 વાગીને 7 મિનિટે માનનીય સાંસદ અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યા.' અરૂણ જેટલીને 9 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરાયા હતા. એઈમ્સના સિનિયર ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા હતા.

મે 2018માં થયું હતું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન

ઉલ્લેખનીય છે કે બીમારીના કારણે જ મોદી સરકારની બીજી ટર્મમાં અરૂણ જેટલી કેબિનેટમાં સામેલ નહોતા થયા. અરૂણ જેટલી 14 મે 2018માં AIIMSમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવી ચૂક્યા હતા. આ માટે તેઓ એપ્રિલ 2018ની શરૂઆતથી જ મંત્રાલયમાં હાજર નહોતા રહેતા. આ દરમિયાન પિયુષ ગોયલ નાણા મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા.

સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન

અરૂણ જેટલીએ સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન કરાવ્યું હતું. લાંબા સમયથી ડાયાબિટીસના કારણે વજન વધવાની સમસ્યાના નિદાન માટે આ ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું. પરંતુ કેટલીક મુશ્કેલી બાદ તેમને એઈમ્સમાં ખસેડાયા હતા. કેટલાક વર્ષો પહેલા તેમના પર હ્રદયનું ઓપરેશન પણ થયું હતું.

arun jaitley