પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

25 August, 2019 03:41 PM IST  |  દિલ્હી

પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

Image Courtesy:ANI Tweet

પૂર્વ નાણાપ્રધાન અને દિગ્ગજ નેતા અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા. જેટલીના પુત્ર રોહને ચિતાને મુખાગ્નિ આપી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન નિગમબોધ ઘાટ પર વાતાવરણ ખૂબ જ ભારે હતું. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અરૂણ જેટલીને અંતિમ વિદાય આપવામાં આવી.

અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ સીએમ રમણસિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા, અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ નિગમબોધ ઘાટ પર હાજર રહ્યા હતા. દિલ્હીમાં અંતિમ સંસ્કાર દરમિયાન વરસાદ પણ પડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના કદાવર નેતા અરૂણ જેટલીનું શનિવારે એઈમ્સમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. શનિવારે બપોરે 12.07 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા.

મે 2018માં થયું હતું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન

ઉલ્લેખનીય છે કે બીમારીના કારણે જ મોદી સરકારની બીજી ટર્મમાં અરૂણ જેટલી કેબિનેટમાં સામેલ નહોતા થયા. અરૂણ જેટલી 14 મે 2018માં AIIMSમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવી ચૂક્યા હતા. આ માટે તેઓ એપ્રિલ 2018ની શરૂઆતથી જ મંત્રાલયમાં હાજર નહોતા રહેતા. આ દરમિયાન પિયુષ ગોયલ નાણા મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા.

સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન

અરૂણ જેટલીએ સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન કરાવ્યું હતું. લાંબા સમયથી ડાયાબિટીસના કારણે વજન વધવાની સમસ્યાના નિદાન માટે આ ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું. પરંતુ કેટલીક મુશ્કેલી બાદ તેમને એઈમ્સમાં ખસેડાયા હતા. કેટલાક વર્ષો પહેલા તેમના પર હ્રદયનું ઓપરેશન પણ થયું હતું

arun jaitley delhi national news