વડા પ્રધાને ‘તુષ્ટિકરણ’ના રાજકારણ વિરુદ્ધ ‘તમામને સંતુષ્ટિ’ માટે હાકલ કરી

04 July, 2022 10:49 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજેપીના કાર્યકર્તાઓને ભારતને ‘શ્રેષ્ઠ’ બનાવવા આહ્વાન આપ્યું હતું

હૈદરાબાદમાં ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજેપીના કાર્યકર્તાઓને ભારતને ‘શ્રેષ્ઠ’ બનાવવા આહ્વાન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ‘વિપક્ષોના તુષ્ટિકરણના રાજકારણની વિરુદ્ધમાં પાર્ટીનું ધ્યેય ‘તમામની સંતુષ્ટિ’ હોવું જોઈએ.’

અહીં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકા​રિણીની મીટિંગને સંબોધતાં વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ‘દેશ વંશવાદવાળા રાજકારણ અને વંશવાદવાળી પૉલિટિકલ પાર્ટીઓથી કંટાળી ગયો છે. આવી પાર્ટીઓ માટે લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવું મુશ્કેલ રહેશે.’

પ્રેસ કૉન્ફરન્સમાં પાર્ટીના ​સિનિયર નેતા રવિ શંકર પ્રસાદે પીએમની સ્પીચમાં ઉઠાવવામાં આવેલા જુદા-જુદા મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. 

મોદીએ હૈદરાબાદને ‘ભાગ્યનગર’ તરીકે સંબોધ્યું હતું અને કહ્યું હતું કે ‘સરદાર વલ્લભભાઈ પટેલે ‘એક ભારત’નો પાયો નાંખ્યો હતો અને હવે ‘શ્રેષ્ઠ ભારત’ ઘડવાની ઐતિહાસિક ફરજ બીજેપીની છે.’

કોઈનું પણ નામ લીધા વિના મોદીએ કહ્યું હતું કે ‘લાંબા સમય સુધી ભારત પર રાજ કરનારી પાર્ટીઓનું હવે પતન થયું છે. આપણે તેમની મજાક ના ઉડાડવી જોઈએ, પરંતુ તેમની ભૂલોથી શીખ લેવી જોઈએ.’ મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને ‘સ્નેહયાત્રા’ કરવા અને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવા કહ્યું હતું.

national news bharatiya janata party narendra modi