હૈદરાબાદમાં 24 કલાકમાં સળગાવાયેલી હાલતમાં બીજી મહિલાની લાશ મળતા સનસનાટી

01 December, 2019 09:53 AM IST  |  Hyderabad

હૈદરાબાદમાં 24 કલાકમાં સળગાવાયેલી હાલતમાં બીજી મહિલાની લાશ મળતા સનસનાટી

24 કલાકમાં બીજી મહિલાની સળગાવેલી બોડી મળી આવી

(જી.એન.એસ.) વડા પ્રધાન મોદી એક તરફ દેશ-વિદેશમાં મહિલાસુરક્ષાનાં બણગાં ફૂંકે છે, ગુણગાન ગાય છે તો બીજી તરફ ઘરઆંગણે મહિલાઓ કેટલી સુરક્ષિત એવા સવાલો પેદા કરનાર એક જ ઘન્ય અને હેવાનિયત ભરેલી ઘટના ઘટી હોવા છતાં કેન્દ્ર સરકારમાં ત્રણ મહિલા પ્રધાનો હોવા છતાં એક પણ મહિલા પ્રધાને લેડી ડૉક્ટરની ગૅન્ગરેપ બાદ કરપીણ હત્યા મામલે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી અને 2012 નિર્ભયા કાંડ વખતે બીજેપીએ રામલીલા મેદાન સહિત દેશ આખામાં બવંડર મચાવ્યું હતું, પરંતુ જ્યારે તેમના જ શાસનકાળમાં વધુ એક નિર્ભયા કાંડ જેવી ઘટના બની છે ત્યારે બીજેપીનાં કોઈ મહિલા કાર્યકરો મીણબત્તીઓ લઈને દિલ્હીની સડકો પર હજી કેમ ઊતરી નથી એની પણ ટીકાઓ થઈ રહી છે.

દરમ્યાન તેલંગણમાં શેતાનને પણ શરમાવે એવી ઘટના બની છે એના પર નજર નાખીએ તો લેડી ડૉક્ટરને ગૅન્ગરેપ પહેલાં બળજબરીપૂર્વક દારૂ પીવડાવવાની બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. દરમ્યાનમાં આ ઘટનાના પડઘારૂપે દિલ્હીમાં અનુ દુબે નામની એક કર્મશીલ યુવતીએ સંસદ ભવન નજીક જાહેર રસ્તા પર ધરણા-પ્રદર્શન અને દેખાવો કર્યા હતા તથા એવી લાગણી વ્યક્ત કરી કે આજે આનો વારો, કાલે મારો વારો; આવું ક્યાં સુધી? સરકાર મહિલાઓને સુરક્ષા આપે.



તેલંગણ રાજ્યના હૈદરાબાદ નજીક ૨૭ વર્ષની એક સરકારી મહિલા ડૉક્ટરનું અપહરણ કરીને બળપૂર્વક દારૂ પીવડાવી ૪ નરાધમો દ્વારા ગૅન્ગરેપ અને ત્યાર બાદ પુરાવાના નાશરૂપે તેની લાશને સળગાવીને રસ્તા પર ફેંકી દેવાની હેવાનિયતની હદ પાર કરનાર સમાન બનેલી આ ઘટનાએ ૭ વર્ષ પહેલાંની દિલ્હીની નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. એ જ વિસ્તારમાં બીજી એક મહિલાની લાશ મળી આવતાં લોકોનો ગુસ્સો બેકાબૂ બન્યો હતો અને મહિલાસુરક્ષાના મામલે તથા કાયદો અને વ્યવસ્થાના મુદ્દે લોકો શહેરમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિરોધ કરનારાઓને કાબૂમાં લેવા પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારા ઉપર લાકડીઓનો પણ ઉપયોગ કર્યો હતો. ગૅન્ગરેપ ઘટનાનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે પરમ દિવસે લેડી ડૉક્ટર સાથે બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી દેવી જોઈએ. જેને નિર્ભયાકાંડ-૨ તરીકે ગણાવવામાં આવી રહ્યું છે એ ઘટનાને લઈને સોશ્યલ મીડિયા સહિત દેશમાં ઘણી જગ્યાએ આ મુદ્દા પર રજૂઆતો કરવામાં આવી રહી છે.

દુષ્કર્મ વખતે મહિલાનું ગૂંગળામણથી મોત થતાં ગભરાયેલા આરોપીઓએ ડીઝલ લાવીને પુરાવાના નાશરૂપે તેની લાશને સળગાવી મારી હતી. મહિલાને ઓળખી ન શકાય એટલી સળગાવીને તેની લાશને એક કાલીનમાં વીંટાળીને વાહનમાં નાખીને શહેરના એક ફ્લાયઓવર પુલ પરથી નીચે ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

દરમ્યાનમાં જ્યાંથી ગૅન્ગરેપ પીડિતાની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી એ જ વિસ્તારમાં ૨૪ કલાકમાં જ બીજી એક મહિલાની દાઝી ગયેલી લાશ મળતાં ભારે સનસનાટી મચી ગઈ હતી. સામૂહિક બળાત્કારનો મામલો સાયબરાબાદ પોલીસે ઉકેલી લીધો હતો.

national news hyderabad Crime News