કોંગ્રેસમાં 'લેટર બોમ્બ':પોતાના નેતાઓએ જ કહ્યું, પરિવારના મોહથી ઉપર ઉઠો

06 September, 2020 03:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસમાં 'લેટર બોમ્બ':પોતાના નેતાઓએ જ કહ્યું, પરિવારના મોહથી ઉપર ઉઠો

ફાઈલ તસવીર

કોંગ્રેસમાં ચાલી રહેલું ઘમાણસ થોભવાનું નામ લેતું નથી. કારણ કે કોંગ્રેસ હવે વધુ એક ‘લેટર બોમ્બ’ની સાથે પાર્ટીમાં થનાર ધડાકા માટે તૈયાર છે. આ વખતે લેટર ઉત્તરપ્રદેશથી છે. ગયા વર્ષે પાર્ટીમાંથી કાઢી મૂકેલા નવ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહ્યું છે કે, તેઓ પાર્ટીને લગભગ ‘ઇતિહાસ’નો હિસ્સો બનવાથી રહી જાય તેનાથી બચાવી લે. સાથો સાથે તેમણે પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની અપીલ કરી છે.

યુપીના ભૂતપૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ ધારાસભ્યો વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવ સિંહના સહીવાળા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

યુપીના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર પરોક્ષ રીતે નિશાન બનાવતા ચાર પાનાના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠાવવાનો આગ્રહ કર્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'પરિવારના મોહથી ઉપર ઉઠો અને પાર્ટીની લોકશાહી પરંપરાઓને ફરીથી સ્થાપિત કરો.'

વધુમાં પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, એ વાતની આશંકા છે કે તમને રાજ્યની બાબતોના પ્રભારી તરફથી વર્તમાન પરિસ્થિતિ અંગે કહેવામાં આવી રહ્યું નથી. અમે લગભગ એક વર્ષથી તમને મળવા માટે એપોઇન્ટમેન્ટની માંગણી કરી રહ્યા છીએ, પરંતુ તેને નકારી કાઢવામાં આવે છે. અમને હાંકી કાઢવાની વિરુદ્ધ અપીલ કરી હતી જે ગેરકાયદેસર હતી પરંતુ કેન્દ્રીય અનુશાસન સમિતિને પણ અમારી અપીલ પર વિચાર કરવાનો સમય મળ્યો નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આગળ દાવો કર્યો હતો કે, પક્ષના હોદ્દાઓ પર એવા લોકોનો કબ્જો છે જે પગારના આધાર પર કામ કરી રહ્યાં છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ નેતાઓ પક્ષની વિચારધારાથી પરિચિત નથી, પરંતુ તેમને યુપીમાં પાર્ટીને દિશા આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ લોકો તે નેતાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જેઓ 1977-80ની કટોકટી દરમ્યાન કોંગ્રેસની સાથે ચટ્ટાનની જેમ ઉભા હતા. લોકશાહીના માપદંડો તોડી પાડવામાં આવી રહ્યાં છે અને વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવામાં આવી રહ્યા છે, અપમાનિત કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં અમને મીડિયા દ્વારા કાઢી મૂકયાની ખબર પડી હતી જે રાજ્ય એકમમાં નવી કાર્ય સંસ્કૃતિની વાત કરે છે. પત્રમાં આરોપ મૂકયો છે કે નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓની વચ્ચે સંવાદનો અભાવ છે.

એટલું જ નહીં, પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુપીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ નિષ્ક્રિય બની ગઈ છે. નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને વરિષ્ઠ નેતાઓ સાથે સંવાદને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તેમણે ચેતવણી આપી છે કે જો તે વર્તમાન બાબતો પર આંખ આડા કાન કરશે તો કોંગ્રેસને યુપીમાં મોટું નુકસાન વેઠવું પડશે. જે એક સમયે પક્ષનો ગઢ હતો. આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે પક્ષ પહેલેથી જ ઉત્તર પ્રદેશમાં જૂથવાદ અને મતભેદોનો સામનો કરી રહ્યું છે.

national news congress indian politics sonia gandhi rahul gandhi priyanka gandhi