અંકિતા ભંડારી એકમાત્ર વિક્ટિમ નથી? પ્રિયંકા ક્યાં છે?

26 September, 2022 09:36 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

આઠ વર્ષ પહેલાં એ જ રિસૉર્ટમાંથી બીજી એક છોકરી ગાયબ થઈ ગઈ હતી જે હજી સુધી મળી નથી : પોલીસે તપાસની ખાતરી આપી

પ્રદર્શનકર્તાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ગઈ કાલે બદરીનાથ-હૃષીકેશ હાઇવેને બ્લૉક કર્યો હતો

ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યાને કારણે ભારે હંગામો મચી ગયો છે. આ કેસમાં અંકિતા જ્યાં કામ કરતી હતી એ વનંત્ર રિસૉર્ટના માલિક પુલકિત આર્ય, તેના મિત્ર અંકિત ગુપ્તા અને રિસૉર્ટના મૅનેજર સૌરભ ભાસ્કરની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં વધુ વિગતો બહાર આવી રહી છે. આઠ વર્ષ પહેલાં આ રિસૉર્ટમાં આવી જ ઘટના બની હતી. રિસૉર્ટમાંથી એક યુવતી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ તે ક્યારેય મળી નહોતી અને એ કેસ ઉકેલાયો જ નથી.

બિટ્ટુ ભંડારી નામના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે લગભગ આઠ વર્ષ પહેલાં આ રિસૉર્ટમાં કામ કરનારી પ્રિયંકા નામની એક ફીમેલ સ્ટાફ ગાયબ થઈ ગઈ હતી અને હજી સુધી તે મળી નથી. કોઈ જાણતું નથી કે તેની સાથે શું બન્યું હતું. આ રિસૉર્ટના મૅનેજર્સ અને ડિરેક્ટર્સે એ સમયે કહ્યું હતું કે તે રિસૉર્ટના રૂપિયા અને કીમતી વસ્તુઓને લઈને ભાગી ગઈ છે.

અંકિતા ભંડારીના કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ મિસિંગ પ્રિયંકાના કેસમાં પણ તપાસ કરશે અને જરૂરી પગલાં લેશે.

તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે બીજેપીના નેતા વિનોદ આર્યનો દીકરો પુલકિત આર્ય અંકિતાને તેની અને આ રિસૉર્ટના ગેસ્ટ્સની સાથે સેક્સ કરવા માટે ફોર્સ કરતો હતો. અંકિતાએ તેની વાત ન માનતાં તેમની બન્ને વચ્ચે લડાઈ થઈ અને પુલકિતે અંકિતાને નદીમાં ફેંકી દીધી. સૌરભ ભાસ્કરે આ સમગ્ર ઘટના પોલીસને જણાવી છે.

ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ બદરીનાથ-ઋષિકેશ હાઇવેને બ્લૉક કર્યો હતો. લોકોના હાથમાં પ્લૅકાર્ડ્ઝ જોવા મ‍ળ્યાં હતાં. આવા જ એક પ્લૅકાર્ડમાં લખાણ હતું કે ‘અંકિતા હમ શર્મિદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ.’ સ્થાનિક લોકોએ અંકિતાના સપોર્ટમાં ગઈ કાલે દુકાનો બંધ રાખી હતી. સ્થાનિક લોકોએ પણ આરોપીઓને ફાંસી આપવાની માગણી કરી હતી. 

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?
અંકિતાના પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યાં છે, પરંતુ તેનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાના કારણે થયું હતું. એઇમ્સ ઋષિકેશના ચાર ડૉક્ટરોની ટીમે પ્રાઇમરી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો. આજે સાંજ સુધીમાં ફાઇનલ રિપોર્ટ સોંપવામાં આવશે. 

પુરાવાનો નાશ કરવા રિસૉર્ટને ધ્વસ્ત કરાયો?
અંકિતા ભંડારીની ફૅમિલીએ તેના અંતિમસંસ્કાર કરવાની ના પાડી હતી. તેમણે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માગ્યો હતો. જોકે,આખરે સાંજે અંતિમવિધિ થઈ હતી. આ ટીનેજરના પિતાએ આ રિસૉર્ટને ધ્વસ્ત કરવાને લઈને ઉત્તરાખંડ સરકારને સવાલ કર્યો હતો કે આ રિસૉર્ટમાં પુરાવા હતા તો પછી શા માટે એને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો? તેમણે માગણી કરી હતી કે આરોપીઓને ફાંસી આપવી જોઈએ. આ રાજ્યમાં વિપક્ષ પણ હવે રિસૉર્ટના ડિમોલિશનને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે. કૉન્ગ્રેસના સિનિયર નેતા હરિશ રાવતે કહ્યું હતું કે ‘આ સુઆયોજિત હત્યા છે. લોકોને શંકા છે કે પુરાવાનો નાશ કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.’

national news uttarakhand