ભારત બાયોટેકને મળી ફેઝ-2 ટ્રાયલની મંજૂરી

13 September, 2020 09:39 AM IST  |  New Delhi | Agency

ભારત બાયોટેકને મળી ફેઝ-2 ટ્રાયલની મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

ભારત બાયોટેકની કોરોના વાઇરસ વૅક્સિન ‘કોવૅક્સિન’ પ્રાણીઓ પરના ટ્રાયલમાં સફળ રહી છે. કંપનીએ જાહેરાત કરી હતી કે કોવૅક્સિને વાંદરાઓમાં વાઇરસ પ્રત્યે ઍન્ટિ-બૉડીઝ વિકસિત કરી છે એટલે કે લૅબ સિવાય જીવિત શરીરમાં પણ આ વૅક્સિન અસરકારક છે એ સાબિત થઈ ગયું છે. કંપનીએ જણાવ્યું કે વાંદરાઓ પર અભ્યાસનાં પરિણામોની ઇમ્યુનોઝીનિસિટીનો ખ્યાલ આવે છે. ભારત બાયોટેકે ખાસ પ્રકારના વાંદરાઓને વૅક્સિનનો ડોઝ આપ્યો હતો. જોકે હાલમાં આ વૅક્સિનનો ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશને આ જ મહિને ભારત બાયોટેકને ફેઝ-2 ટ્રાયલની અનુમતિ આપી છે.

ભારત બાયોટેકે ૨૦ વાંદરાઓના ચાર સમૂહો પર રિસર્ચ કર્યું છે. એક ગ્રુપને પ્લેસીબો આપવામાં આવી, જ્યારે બાકી ત્રણ ગ્રુપને ત્રણ અલગ-અલગ પ્રકારની વૅક્સિન પહેલાં અને ૧૪ દિવસ બાદ આપવામાં આવી. વૅક્સિનનો પ્રથમ ડોઝ આપ્યાના ત્રીજા સપ્તાહથી વાંદરાઓમાં કોવિડ પ્રત્યે રિસ્પૉન્સ ડેવલપ થવાનું શરૂ થઈ ગયું હતું. વૅક્સિન લેનારા કોઈ પણ વાંદરામાં ન્યુમોનિયાનાં લક્ષણ નથી મળ્યાં.

કોરોના માટે કરાયાં ૫.૫૧ કરોડ ટેસ્ટ : આઇસીએમઆર

શુક્રવારે ૧૦,૯૧,૨૫૧ સૅમ્પલનાં ટેસ્ટિંગ સાથે દેશમાં ૧૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૫.૫૧ કરોડ કરતાં વધુ સૅમ્પલ્સનું કોરોના શોધવા માટે ટેસ્ટિંગ કરાયું હોવાનું આઇસીએમઆરે ગઈ કાલે એક નિવેદનમાં જાહેર કર્યું હતું.

૧૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૫,૫૧,૮૯,૨૨૬ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરાયું હતું, જ્યારે કે ૧૧ સપ્ટેમ્બરે ૧૦,૯૧,૨૫૧ સૅમ્પલ્સ ટેસ્ટ કરાયાં હોવાનું આઇસીએમઆરે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં સુધી કોરોના વાઇરસની સારવાર માટેની અસરકારક દવા ન શોધાય, ત્યાં સુધી લાપરવાહી ન દાખવવાની ચેતવણી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં (જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી લાપરવાહી નહીં), દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’. મોદીએ મધ્ય પ્રદેશના ગ્રામીણ ભાગોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ બાંધવામાં આવેલાં ૧.૭૫ લાખ ઘરોના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં આ સૂત્ર આપ્યું હતું.

મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૮૩,૬૧૯ છે, જ્યારે ૧૬૯૧ લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં હતાં.

new delhi national news coronavirus covid19