અમિત શાહના પુત્ર જયની કંપનીની આવકમાં 116.37 કરોડનો વધારો

04 November, 2019 02:28 PM IST  |  નવી દિલ્હી

અમિત શાહના પુત્ર જયની કંપનીની આવકમાં 116.37 કરોડનો વધારો

અમિત શાહ પુત્ર જય શાહ

કેન્દ્ર સરકારના કૉર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા એની વેબસાઇટ પર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદારછે અને તેમનું સ્થાન કંપનીના ડિરેક્ટરની સમકક્ષનું છે.

કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એટલે કે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીમાં જય શાહની પેઢી કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ ૨૪.૬૧ કરોડ રૂપિયા વધી છે. એની ચોખ્ખી નિશ્ચિત સંપત્તિમાં ૨૨.૭૩ કરોડનો વધારો થયો છે, એની વર્તમાન સંપત્તિમાં ૩૩.૦૫ કરોડનો વધારો થયો છે અને કુલ આવકમાં ૧૧૬.૩૭ કરોડનો વધારો થયો છે.
જય શાહનો સિતારો ઑક્ટોબરના મધ્યમાં ચમકી ઊઠ્યો છે. તે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સંસ્થા ક્રિકેટનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે. કારવાં વેબસાઇટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. એની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ-૨૦૧૮માં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે જય શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ કે જે અગાઉથી આર્થિક રીતે નબળી ચાલી રહી હતી એ સંસ્થાની ક્રેડિટ સુવિધામાં વર્ષ ૨૦૧૬માં નાટ્યાત્મક રીતે ધરખમ વધારો થયો હતો. વર્ષ ૨૦૧૬માં અમિત શાહે પોતાના પુત્રની પેઢી માટે ૨૫ કરોડની ક્રેડિટ સુવિધાને સુરક્ષિત કરવા માટે પોતાની બે મિલકતોને ગીરવે મૂકીને મદદ કરી હતી.

કુસુમ ફિનસર્વ એલએલપીને દર વર્ષે ૩૦ ઑક્ટોબર સુધીમાં પોતાના ખાતા (અકાઉન્ટ)નું વિવરણ રજૂ કરવાનું હોય છે. એવું કરવામાં અસમર્થ રહે તો મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ ગુનો બને છે અને એની જોગવાઈ મુજબ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ કુસુમ ફિનસર્વ દ્વારા વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮ની માટેનું નિવેદન હજી સુધી રજૂ કરાયું નથી. બીજેપી સરકાર અને કૉર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોતાનાં નાણાકીય નિવેદનો (સ્ટેટમેન્ટ) રજૂ કરવામાં નિષ્ફળ રહેલી કંપનીઓ સામે સકંજો કસ્યો છે તેમ છતાં કુસુમ ફિનસર્વ દ્વારા બે વર્ષ સુધી પોતાનાં નાણાકીય નિવેદનો મંત્રાલય સમક્ષ રજૂ કર્યાં નથી.

આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓના કારણે સંસ્થાઓનાં નાણાકીય નિવેદનો જાહેરમાં જોવા માટે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાયાં નહોતાં. બીજેપીએ પ્રચંડ બહુમતીથી આ ચૂંટણી જીતી લીધી હતી. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનારા અમિત શાહને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજી સરકારની કૅબિનેટમાં ગૃહ મંત્રી બનાવાયા હતા. ચૂંટણીનાં પરિણામ જાહેર થયાના લગભગ ત્રણ મહિના પછી ઑગસ્ટ-૨૦૧૯માં મંત્રાલય દ્વારા નાણાકીય નિવેદનો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યાં હતાં. જોકે પેઢી દ્વારા અત્યાર સુધીના નવીનતમ નાણાકીય વર્ષ સુધીની બૅલૅન્સ શીટ રજૂ કરી છે, પરંતુ આ દસ્તાવેજોમાં કુસુમ ફિનસર્વના વ્યવસાયની પ્રવૃત્તિઓ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કાર્યક્ષેત્રમાં આ કુસુમ ફિનસર્વ પેઢી આવે છે તે અમદાવાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા પણ આ અંગેના પ્રશ્નોના જવાબ અપાયા નથી.

amit shah national news