ભારતના પાંચ ટ્રિલ્યનના અર્થતંત્રનો માર્ગ યુપીમાંથી પસાર થાય છે:અમિત શાહ

29 July, 2019 09:33 AM IST  |  લખનઉ

ભારતના પાંચ ટ્રિલ્યનના અર્થતંત્રનો માર્ગ યુપીમાંથી પસાર થાય છે:અમિત શાહ

તાજેતરમાં લખનઉના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજાયેલ શિલાન્યાસ સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે ૬૫,૦૦૦ કરોડના ૨૯૦ નવા પ્રોજેકટના શિલાન્યાસ કર્યા હતા.

તેમણે લોકોને સંબોધન કરતાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે ૫ અબજ ડૉલરની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. તેઓ દેશની અર્થવ્યવસ્થાને ૧૧મા ક્રમેથી ૫મા ક્રમે લઈને આવ્યા છે. હું વચન આપું છું કે, આવતાં ૫ વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. ભારતનાં પાંચ ટ્રિલ્યન અર્થતંત્રનો માર્ગ યુપીમાંથી પસાર થાય છે.

તેમણે એમ પણ કહ્યું કે, સૌથી પહેલાં ઇન્વેસ્ટર સમિતિની શરૂઆત ગુજરાતમાં થઈ, પરંતુ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સૌપ્રથમ ઇન્વેસ્ટર સમિતિમાં સાઇન થયેલા પ્રોજેક્ટની ૨૫ ટકા યોજનાઓને વાસ્તવમાં સાકાર કરી છે. આના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં વર્ષ ૨૦૧૪માં સરકાર બની ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે દેશને બદલવા સરકાર બનાવીએ છીએ. એમણે ન્યૂ ઇન્ડિયાનું મોડેલ દેશ સામે મૂક્યું અને દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થઈ. મોદી ખુલ્લી આંખોથી સપનાં જુએ છે અને જે ખુલ્લી આંખોથી સપનાં જોતા હોય, તેમને ઊંઘ નથી આવતી. સરકારની મહેનતનું જ ફળ છે કે, આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જીએસટી સારી રીતે લગાડવામાં આવ્યો છે.
‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં ભારત દેશ દુનિયામાં ૭૭મા ક્રમે પહોંચી ગયો છે.

amit shah national news uttar pradesh