૩૦ દિવસ માટે જેલમાં જાય તો વડા પ્રધાન, મુખ્ય પ્રધાન કે પ્રધાન પોતાનું પદ ગુમાવશે

21 August, 2025 07:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંધારણમાં આ સુધારા કરવા સરકાર ત્રણ બિલ લાવી : વિપક્ષોએ બિલની કૉપી ફાડીને સંસદમાં ઉછાળીને વિરોધ નોંધાવ્યો : જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટીને મોકલવામાં આવશે

વિપક્ષોએ ફાડેલા બિલના ટુકડા અમિત શાહ સામે ઊડતા હતા.

જો વડા પ્રધાન, મુખ્ય પ્રધાન કે કોઈ પણ પ્રધાનની પાંચ વર્ષ કે એથી વધુ સજાવાળા ગુના માટે ૩૦ દિવસ માટે ધરપકડ કરવામાં આવે તો તેમણે રાજીનામું આપવું પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે લોકસભામાં આ સંબંધિત ૩ બિલ રજૂ કર્યાં હતાં. આ ત્રણેય બિલ સામે વિપક્ષો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને વિપક્ષોએ ત્રણેય બિલ પાછાં ખેંચવાની માગણી કરી હતી તથા બિલની કૉપી સદનમાં જ ફાડી નાખીને વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષોએ ગૃહપ્રધાન પર કાગળના ગોળા ફેંક્યા હતા. કૉન્ગ્રેસ, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને સમાજવાદી પાર્ટીએ આ ત્રણે બિલોને ન્યાયવિરોધી અને બંધારણવિરોધી ગણાવ્યાં હતાં.

અમિત શાહે બિલોને જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)ને મોકલવાની વાત કરી હતી. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કર્યો હતો અને એને સત્તાના વિભાજનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું તથા એના પર સરકારોને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ ત્રણે બિલ અલગથી લાવવામાં આવ્યાં છે કારણ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના નેતાઓ માટે અલગ-અલગ જોગવાઈઓ છે.

શા માટે આમ કરવું પડ્યું?

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ૬ મહિના અને તામિલનાડુના પ્રધાન વી. સેન્થિલ બાલાજીને ૨૪૧ દિવસ સુધી અટકાયતમાં રાખ્યા બાદ પણ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નહોતું. કેજરીવાલ દેશના એવા પહેલા મુખ્ય પ્રધાન હતા જેમની પદ પર હોય ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.

વડા પ્રધાન, મુખ્ય પ્રધાન, પ્રધાન ૩૦ દિવસ જેલમાં રહે તો તેમને પાણીચું પરખાવતા ખરડા પર લોકસભામાં જબરી ધમાલ થઈ: વિપક્ષોએ બિલની કૉપી ફાડી નાખી

અમિત શાહ અને કે. સી. વેણુગોપાલ વચ્ચે ગરમાગરમ ચર્ચા

અમિત શાહની ધરપકડ થઈ ત્યારે તેમણે નૈતિકતાનું પાલન કર્યું હતું?

આ બિલ પર લોકસભામાં વિપક્ષ અને સરકાર વચ્ચે ગરમાગરમ ચર્ચા દરમ્યાન કૉન્ગ્રેસના સંસદસભ્ય કે. સી. વેણુગોપાલ અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે આ કાયદાની નૈતિકતા પર ટૂંકી પણ તીવ્ર ચર્ચા થઈ હતી. વેણુગોપાલે કહ્યું હતું કે ‘આ બિલ દેશની સંઘીય વ્યવસ્થાને નષ્ટ કરવા જઈ રહ્યું છે. એનો હેતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનો નાશ કરવાનો છે. BJPના નેતાઓ કહી રહ્યા છે કે આ બિલ રાજકારણમાં નૈતિકતા લાવવા જઈ રહ્યું છે. શું હું ગૃહપ્રધાનને એક પ્રશ્ન પૂછી શકું? જ્યારે તેઓ ગુજરાતના ગૃહપ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શું તેમણે એ સમયે નૈતિકતાનું પાલન કર્યું હતું?’

મેં ધરપકડ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું, હું ઇચ્છું છું કે નૈતિકતા વધે

વેણુગોપાલ પર વળતો પ્રહાર કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘હું સત્ય કહેવા માગું છું. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા છતાં મેં નૈતિકતાનું પાલન કર્યું હતું અને માત્ર રાજીનામું આપ્યું જ નહીં, પરંતુ જ્યાં સુધી હું બધા આરોપોથી મુક્ત ન થયો ત્યાં સુધી કોઈ બંધારણીય પદ પણ સ્વીકાર્યું નહીં. શું તેઓ અમને નૈતિકતા શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે? મેં રાજીનામું આપ્યું હતું. હું ઇચ્છું છું કે નૈતિકતા વધે. આપણે એટલા બેશરમ ન હોઈ શકીએ કે આપણા પર આરોપો લગાવવામાં આવે અને આપણે બંધારણીય પદ પર રહીએ. મેં મારી ધરપકડ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.’

amit shah parliament Lok Sabha arvind kejriwal political news indian government indian politics new delhi delhi news congress samajwadi party national news news