17 June, 2024 08:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઉચ્ચ સ્તરની બેઠક
કેન્દ્રમાં મોદી સરકારે ત્રીજી ટર્મના શપથ લીધા એ દિવસથી મોટા ભાગે શાંત રહેતા જમ્મુ વિસ્તારમાં ચાર આતંકવાદી હુમલા થતાં ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી જેમાં સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ, હોમ સેક્રેટરી અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, ચીફ ઑફ આર્મી સ્ટાફ (ડેસિગ્નેટ) ઉપેન્દ્ર દ્વિવેદી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડિરેક્ટર જનરલ અનીષ દયાલ સિંહ સહિતના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુમાં ૯ જૂને રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકવાદી હુમલામાં ૯ જણનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ બીજા એક હુમલામાં CRPFનો જવાન શહીદ થયો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. આના પગલે જમ્મુને હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
અમરનાથ યાત્રા દરમ્યાન કરવામાં આવનારી સુરક્ષા વ્યવસ્થાની કેવી તૈયારી છે એ જાણવા તેમ જ જમ્મુ-કાશ્મીરમાં થયેલા ચાર આતંકવાદી હુમલા પછી સિક્યૉરિટી ફોર્સિસે તૈયાર કરેલા કાઉન્ટર ટેરરિઝમ પ્લાનને લઈને ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે રિવ્યુ મીટિંગનું આયોજન કર્યું હતું.
૨૯ જૂનથી અમરનાથ યાત્રા
૨૯ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે જે ૧૯ ઑગસ્ટ સુધી ચાલવાની છે. અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા બરફના શિવલિંગનાં દર્શન કરવા દેશભરમાંથી લાખો ભાવિકો આવે છે. ગયા વર્ષ ચાર લાખ ભાવિકોએ આ યાત્રા કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં આ યાત્રા બે માર્ગે થાય છે : એક બાલતાલ અને બીજી પહલગામ માર્ગે. ભાવિકો દર્શન કરવા પગપાળા યાત્રા કરે છે. ભાવિકોની સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. પોલીસે જણાવ્યું છે કે યાત્રીઓની સુરક્ષા એ અમારી પહેલી પ્રાથમિકતા છે.