28 June, 2025 09:28 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
અમરનાથ યાત્રા
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓના રજિસ્ટ્રેશનમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૦.૧૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પહલગામ વિસ્તારની બૈસરન વૅલીમાં આતંકવાદી હુમલા પહેલાં લગભગ ૨.૩૬ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નામ નોંધાવ્યું હતું. જોકે જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા લેવામાં આવેલાં પગલાંને કારણે યાત્રાળુઓનો વિશ્વાસ પાછો ફરી રહ્યો છે, જેના પરિણામે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરી વધી રહ્યાં છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે બાવીસમી એપ્રિલ પહેલાં યાત્રા માટે નામ નોંધાવનારા યાત્રાળુઓની ફરીથી ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૮૫,૦૦૦ યાત્રાળુઓએ તેમની નોંધણીની પુષ્ટિ કરી છે.
મનોજ સિંહાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ વર્ષે અમરનાથ યાત્રા આતંકવાદી હુમલાથી પ્રભાવિત થઈ છે? ત્યારે તેમણે કહ્યું હતું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ખીણ ક્ષેત્ર એનાથી પ્રભાવિત થયું છે.
૩ જુલાઈથી શરૂ થશે
૩૮ દિવસની અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. આ યાત્રા બે રૂટ પર શરૂ થશે, જેમાં અનંતનાગ જિલ્લામાં ૪૮ કિલોમીટર લાંબો પરંપરાગત પહલગામ રૂટ છે અને ગંદેરબલ જિલ્લામાં ૧૪ કિલોમીટર ટૂંકા પણ મુશ્કેલ બાલતાલ રૂટનો સમાવેશ થાય છે. યાત્રાળુઓ ૩૮૮૦ મીટરની ઊંચાઈ પર આવેલા બાબા બર્ફાનીનાં દર્શન કરશે. અમરનાથ યાત્રા શરૂ થાય એના એક દિવસ પહેલાં યાત્રાળુઓનો પહેલો જથ્થો ભગવતીનગરથી કાશ્મીર માટે રવાના થશે.
બન્ને રૂટના ટ્રૅક પહોળા
શ્રાઇન બોર્ડે આ યાત્રાને સુધારવા માટે એની સુવિધાઓને અપગ્રેડ અને વિસ્તૃત કરી છે. યાત્રા માટેના બન્ને રૂટ પરના ટ્રૅક પહેલાં ફક્ત પાંચ ફુટ પહોળા હતા, પરંતુ હવે એને ૧૨ ફુટ પહોળા કરવામાં આવ્યા છે.
હેલિકૉપ્ટર સર્વિસ બંધ
સુરક્ષાનાં કારણોસર હેલિકૉપ્ટર સર્વિસ બંધ કરવામાં આવી છે. જોકે અમરનાથ યાત્રામાં આ સર્વિસનો ઉપયોગ ફક્ત ૮ ટકા યાત્રાળુઓ કરે છે તેથી આ સર્વિસ બંધ થવાથી એના પર કોઈ અસર નહીં પડે.