21 July, 2026 08:44 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજૌરીની મુનાવર નદીમાંથી એક મૃતદેહને બહાર કાઢતા સુરક્ષાજવાનો.
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લોરન વિસ્તારમાં ગઈ કાલે ફરી એક વાર ભૂસ્ખલન થતાં એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. પૂંછ અને પાડોશી રાજૌરીમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન ચાલુ છે; જેના કારણે ઘરો, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.
જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ, માતા વૈષ્ણો દેવી અને શિવ ખોડી યાત્રાઓ ગઈ કાલે સતત બીજા દિવસે પણ સ્થગિત રહી હતી. ભારે વરસાદની ચેતવણી બાદ અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી હોવાથી જમ્મુ, ઉધમપુર અને રામબનથી શ્રીનગર તરફ કોઈ પણ યાત્રાળુ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી.
નાગાલૅન્ડમાં પૂર અને ભૂસ્ખલનથી ૪ મોત, પાંચ જણ મિસિંગ
હિમાચલમાં રેડ અલર્ટ
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હિમાચલ પ્રદેશ માટે રેડ અલર્ટ જાહેર કરી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે
આસામમાં સેનાએ ઑપરેશન જલ રાહત શરૂ કર્યું
આસામમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ભારતીય લશ્કરે આસામ સરકારની મદદ માટે ‘ઑપરેશન જલ રાહત’ શરૂ કર્યું છે. આસામમાં ૧૨ જિલ્લામાં ૧.૭ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.