16 August, 2026 08:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
‘વંદે માતરમ્’ ગાનના પ્રારંભિક ભાગ પછી પણ કાર્યકરોએ ગાવાનું ચાલુ રાખ્યું ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આ ગાનને રોકવાનો સંકેત આપ્યો હતો
સ્વતંત્રતાદિવસ પર દિલ્હીમાં કૉન્ગ્રેસ મુખ્યાલયમાં ધ્વજવંદન બાદ ‘વંદે માતરમ્’ ગાનના પ્રારંભિક ભાગ પછી પણ કાર્યકરોએ ગાવાનું ચાલુ રાખ્યું ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આ ગાનને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ કાર્યકરોએ ગાન રોક્યું નહોતું. કૉન્ગ્રેસ સેવાદળના પૂર્વ પ્રમુખ લાલજી દેસાઈએ આ મામલે હસ્તક્ષેપ કરીને ગાન પૂર્ણ કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ લાલજી દેસાઈ સાથે વાતચીત કરી હતી. આ ઘટનાનો વિડિયો સામે આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી (BJP)એ કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આ મુદ્દે BJPના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે કૉન્ગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ્’ ગાવાનું રોકવાનો પ્રયાસ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતો. કૉન્ગ્રેસના શાસનકાળ દરમ્યાન પણ ‘વંદે માતરમ્’ ગાવા વિશે વિવાદો ઊભા થયા છે.
કૉન્ગ્રેસનો લૂલો બચાવ
આ મુદ્દે કૉન્ગ્રેસ વતી જયરામ રમેશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘BJP આ ઘટનાનું ખોટું અર્થઘટન કરી રહી છે. ‘વંદે માતરમ્’ પર કોઈ વિવાદ નહોતો. સોનિયા ગાંધી કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને બેસવાનું કહી રહ્યાં હતાં, કારણ કે તેઓ ઘણા લાંબા સમયથી ઊભા હતા.’
લાલ કિલ્લા પરની ઉજવણીમાં રાહુલ અને ખડગેએ આ વર્ષે પણ ભાગ ન લીધો
સતત બીજા વર્ષે કૉન્ગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં ભાગ લીધો નહોતો. ૨૦૨૪માં સ્વતંત્રતાદિવસની ઉજવણી દરમ્યાન લાલ કિલ્લા પર પાંચમી હરોળમાં રાહુલ ગાંધીને બેસાડવામાં આવ્યા હતા, એના પગલે કૉન્ગ્રેસે બેઠક-વ્યવસ્થાની ટીકા કરી હતી. આ વિવાદ પછી કૉન્ગ્રેસે લાલ કિલ્લા પર થતી સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે.