બીજેપીના ખોળામાં બેસી જવાનું અજિત પવારનું કૃત્ય ગેરશિસ્તઃ શરદ પવાર

24 November, 2019 02:04 PM IST  |  Mumbai Desk

બીજેપીના ખોળામાં બેસી જવાનું અજિત પવારનું કૃત્ય ગેરશિસ્તઃ શરદ પવાર

પત્રકાર-પરિષદ દરમ્યાન એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (તસવીર : પી.ટી.આઇ.)

એનસીપીના પ્રમુખ શરદ પવારે એમના ભત્રીજા અજિતનું બીજેપીને સમર્થન આપવાનું કૃત્ય ગેરશિસ્ત હોવાનું અને એ પગલાને પક્ષાંતરવિરોધી કાયદો લાગુ પાડી શકાય એમ હોવાનું જણાવ્યું હતું. અજિત પવાર સામે પગલાં લેવા બાબતે પક્ષની શિસ્ત સમિતિ નિર્ણય લેશે, એમ શરદ પવારે જણાવ્યું હતું. 

દક્ષિણ મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં એનસીપીના પ્રમુખે જણાવ્યું હતું કે ‘એનસીપીના આંતરિક હેતુસર નામ અને મતક્ષેત્ર સાથે અમારા ૫૪ વિધાનસભ્યોની સહી એક કાગળ પર લેવામાં આવી હતી. એ કાગળ વિધાનસભા પક્ષના નેતા તરીકે અજિત પવારે રાખ્યો હોય એવું બની શકે. એ કાગળ બીજેપીને સમર્થન રૂપે રજૂ કરીને રાજ્યપાલને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય એવું બની શકે.’

શરદ પવારે જણાવ્યું હતું કે ‘અજિત પવારનો નિર્ણય ગેરશિસ્ત ગણાય. એનસીપીનો કોઈ પણ કાર્યકર બીજેપી સાથે સરકાર રચવાની તરફેણમાં નથી. બીજેપીને ટેકો આપનારા એનસીપીના વિધાનસભ્યો એટલું ધ્યાનમાં રાખે કે એમના આ પગલાને પક્ષાંતરવિરોધી કાયદો લાગુ પડે છે. એ વિધાનસભ્યોના મતક્ષેત્રોમાં જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેનાના ઉમેદવારો એમને હરાવશે.’

શરદ પવારે જણાવ્યું હતું કે ‘યોગ્ય સ્પષ્ટતા વગર શપથવિધિ માટે રાજભવન લઈ જવામાં આવેલા વિધાનસભ્યોએ અમને મળીને એમને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા એ જણાવ્યું હતું. રાજભવનમાં શપથવિધિ માટે અજાણતા ગયેલા અને પક્ષમાં પાછા આવેલા ધારાસભ્યો સામે કોઈ પગલાં નહીં લેવાય.’

ગઈ કાલે સવારે રાજભવન ગયેલા બુલઢાણાના રાજેન્દ્ર શિંગણે અને બીડના સંદીપ ક્ષિરસાગર સહિત ત્રણ વિધાનસભ્યો પત્રકાર પરિષદમાં હાજર હતા. એ ત્રણ ધારાસભ્યોએ જણાવ્યું હતું કે ‘એમને સવારે સાત વાગ્યે પક્ષના નેતા ધનંજય મુંડેના ઘરે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંથી કારમાં રાજભવન લઈ જવામાં આવ્યા હતા.’

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘પહેલાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ખેલ ચાલતો હતો અને હવે નવો ખેલ શરૂ થયો છે. આવતી કાલથી તો ચૂંટણી યોજવાની પણ જરૂર નહીં પડે એવું લાગે છે. દગો દેનારા અને પીઠમાં છરી મારનારાની સાથે છત્રપતિ શિવાજી મહારાજે શું કર્યું એ સૌ જાણે છે. અમારા પક્ષના વિધાનસભ્યોને પક્ષાંતર કરાવવાના પ્રયાસ શિવસૈનિકો નિષ્ફળ બનાવશે.’

maharashtra sharad pawar ajit pawar bharatiya janata party