ભારતનાં જેમ્સ બૉન્ડ અજીત ડોવાલનો આજે જન્મ દિવસ

20 January, 2020 01:58 PM IST  |  Mumbai Desk

ભારતનાં જેમ્સ બૉન્ડ અજીત ડોવાલનો આજે જન્મ દિવસ

અજીત ડોવાલ ભારતનાં પાંચમાં અને વર્તમાન વડા પ્રધાનનાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે. આજે 75 વર્ષનાં થયેલા ડોવાલે તેની કારકિર્દી દરમિયાન કોઇ શાતિર ગીધની માફક ભારતની સલામતીને લગતાં ઑપરેશન્સ પાર પાડ્યાં છે. અંગ્રેજી ફિલ્મોમાં આપણે જેમ્સ બૉન્ડ કે મિશન ઇમ્પોસિબલનાં ટોમ ક્રુઝને જોઇને ફિદા થઇએ છીએ પણ ભૌગોલિક રીતે પેચીદી સ્થિતિમાં રહેલા આપણા દેશની સલામતી માટે અજીત ડોવાલનાં નેતૃત્વ હેઠળ જે ઑપરેશન્સ પાર પડ્યાં છે તે હૉલીવુડનાં ‘હોટ સ્પાયઝ’ને કંઇ પાછળ છોડી દે તેવાં છે.

1968ની બેચનાં આપીએસ અજીત ડોવાલ ઇન્ટેલિજન્સ એજન્સીઝનાં વર્તુળોમાં વિચક્ષણ વિચારશક્તિ માટે જાણીતા છે. 1999ની સાલમાં અપહરણ કરીને અફઘાનિસ્તાન કંદહાર લઇ જવાયેલા ઇન્ડિયન એરલાઇન્સનાં વિમાનનાં અપહરણકર્તાઓ સાથે વાટાઘાટ કરવામાં અજીત ડોવાલ મુખ્ય હતા.

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં પણ અને છેલ્લા વર્ષોમા થયેલી સર્જીકલ સ્ટ્રાઇકમાં પણ અજીત ડોવાલનો મુખ્ય ફાળો હતો. ભારત, ચીન અ ભુતાનનાં ટ્રાઇ જંક્શને આવેલા ડોક્લામમાં ભારત ચીન વચ્ચે 73 દિવસ સુધી સ્ટેન્ડ ઑફનાં સંજોગોમાં પણ તેમણે કરેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

1988માં મિઝોરમમાં એન્ટી ઇન્સર્જન્સી ઑપરેશન્સ પાર પાડી મિઝોરમનાં ઇન્સર્જન્સ નેતા સાથે વાટાઘાટમાં સફળ રહેલા ડોવાલને કિર્તી ચક્ર એનાયત કરવામાં આવ્યું છે.

અજીત ડોવાલ તેમની તિક્ષ્ણ સમજ અને ધારદાર સૂઝ ઉપરાંત ચોટદાર ટિપ્પણીઓ કરવા માટે પણ પ્રખ્યાત છે. જેમ કેઃ

‘જ્યાં સુધી આપણે વિજયી નથી ત્યાં સુધી યુદ્ધ ચાલુ છે.’

‘તમે એક મુંબઇ કરશો પણ બલોચીસ્તાન ગુમાવી બેસશો.’

‘તમે કોઇને ઉશ્કેરો તો થોડી જવાબદારી તો તમારી પણ હોય છે પણ જો તમે તમારી શક્તિનો ઉપયોગ ન કરી શકતા હો તો એ શક્તિ ન હોવાને બરાબર છે.’

આ પણ વાંચો : સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

અજીત ડોવાલની જિંદગી પર બની રહેલી ફિલ્મમાં ‘દેશપ્રેમ’ ફિલ્મો કરવામાં સદાય અગ્રેસર રહેલા અક્ષય કુમાર તેનું પાત્ર નિભાવશે. દિગ્દર્શક નિરજ પાંડે આ ફિલ્મની સુકાન હાથમાં લેશે. આ પહેલા અક્ષય કુમાર અને નિરજ પાંડેએ સ્પેશ્યલ છબ્બીસ, બેબી, રૂસ્તમ, ટોઇલેટ-એક પ્રેમકથા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

national news