05 September, 2025 02:49 PM IST | Indore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોર એરપોર્ટ પર ઍર ઇન્ડિયા (Air India)ની દિલ્હી-ઇન્દોર ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર પાઈલોટને વિમાનના એન્જીનમાં કોઈ ટેકનિકલ ખરાબી જોવા મળી હતી ત્યારબાદ તરત તેણે ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. આ ફ્લાઈટ દિલ્હીથી ઇન્દોર આવી રહી હતી. આજે શુક્રવારે સવારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1028ના પાઈલોટે લેન્ડિંગ પહેલાં જ વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામીની હોવાની જાણકારી આપી હતી ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે વિમાનને ઈન્દોરના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ સવારે ૯.૫૫ કલાકે સુરક્ષિત રીતે લેન્ડ કરાઈ હતી. અત્યારે ટેકનિકલ ટીમ વિમાનની તપાસ કરી રહી છે. બધું જ યોગ્ય જણાશે તો જ વિમાનને આગળની યાત્રા માટે રવાના કરાશે.
પાઈલોટ પાસેથી માહિતી મળતાં જ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને સીઆઈએસએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. વિમાન દિલ્હીથી ઇન્દોર માટે રવાના થયું હતું પરંતુ અત્યારે તે તપાસ માટે એરપોર્ટ (Air India) પર ઊભું રાખવામાં આવ્યું છે. દિલ્હીથી આવતી ફ્લાઇટ IX-1029 સવારે ૧૦.૦૫ વાગ્યે રદ કરવામાં આવી હતી. “વિમાન સવારે ૯.૫૫ વાગ્યે ઇન્દોર એરપોર્ટ પર ઊતર્યું હતું. સમયપત્રક મુજબ તે સવારે ૯.૩૫ વાગ્યે ઇન્દોર એરપોર્ટ પર ઉતરવાનું હતું, ‘દેવી અહિલ્યાબાઈ હોળકર એરપોર્ટ’ના ડિરેક્ટર વિપિનકાંત શેઠે જણાવ્યું હતું.
ઇન્દોર જનારી ઍર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India)ની ફ્લાઈટના એન્જીનમાં ખરાબી હોવાની ભાળ મળતાં જ પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલને ફોન કર્યો હતો અને મેસેજ પહોંચાડ્યો હતો. પ્રોટોકોલ અનુસાર જયારે આવું થાય ત્યારે પાઈલોટ `પાન-પાન` કહે છે. 161 મુસાફરોને લઈ જઈરહેલું દિલ્હી-ઇન્દોર વિમાન ૨૦ મિનિટના વિલંબ સાથે દેવી અહિલ્યાબાઈ હોળકર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. જેવું વિમાનના પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને `પાન-પાન` કહીને જે સિગ્નલ મોકલ્યું ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ એરપોર્ટ પર બધી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આમ, એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર ગ્રાઉન્ડ સ્ટાફ પણ ઝડપથી કામે લાગી ગયો હતો. અત્યારે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તકનીકી ટીમ વિમાનના એન્જીનમાં આવેલ ખામીનું ચોક્કસ કારણ શોધવા માટે સઘન તપાસ કરી રહી છે.
જુલાઈ બાદ આ પ્રકારની ઘટના બીજીવાર બની છે. દિલ્હીથી ગોવા તરફ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ (Air India)ની 16 જુલાઈના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર એન્જિનમાં ટેકનિકલ ખામી આવ્યા બાદ ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી.