ઍર ઇન્ડિયામાં મુસાફરી કરી રહેલા સાંસદોનો જીવ હતો જોખમમાં! ઇમરજન્સી લેન્ડિંગ પછી લીધો રાહતનો શ્વાસ

12 August, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Air India Emergency Landing: તિરુવનંતપુરમથી દિલ્હી જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું બે કલાક હવામાં રહ્યા બાદ ચેન્નઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ; કોંગ્રેસના સાંસદો સહિત અનેક સાંસદો આ પ્લેનમાં હતા સવાર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઍર ઇન્ડિયા (Air India)ને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગે છે! ઍર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટનો અકસ્માત થતાં-થતાં રહી ગયો અને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ (Air India Emergency Landing) કરાવવું પડ્યું. તિરુવનંતપુરમ (Thiruvananthapuram)થી દિલ્હી (Delhi) જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું ટૅક્નિકલ ખામીને કારણે ચેન્નઇ (Chennai)માં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ફ્લાઇટમાં અનેક સાંસદો મુસાફરી કરી રહ્યાં હતા.

ગઈકાલે રવિવારે, ૧૦ ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી નવી દિલ્હી જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે શંકાસ્પદ ટેકનિકલ ખામી જણાતાં તેને ચેન્નઇ વાળવી પડી હતી. ઍરલાઇને પુષ્ટિ આપી છે કે, ફ્લાઇટ નંબર A૧૨૪૫૫નું ચેન્નઇમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે અને વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે. કોંગ્રેસ (Congress)ના મહાસચિવ કે.સી. વેણુગોપાલ (K. C. Venugopal) સહિત અનેક સાંસદો પણ વિમાનમાં હાજર હતા.

ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘૧૦ ઓગસ્ટે તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI૨૪૫૫ના ક્રૂને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે સાવચેતી રૂપે ચેન્નઇ વાળવામાં આવ્યું હતું અને વિમાને ચેન્નઇમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. અસરગ્રસ્ત મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. ચેન્નઇમાં અમારા સાથીદારો મુસાફરોને તેમની અસુવિધા ઓછી કરવા માટે સહાય પૂરી પાડી રહ્યા છે અને મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે.’ આ વિમાનમાં ઘણા સાંસદો પણ સવાર હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે.સી. વેણુગોપાલે સોમવારે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કર્યું હતું કે, ‘ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI ૨૪૫૫, મને, ઘણા સાંસદો અને સેંકડો મુસાફરોને લઈને આજે ભયાનક રીતે દુર્ઘટનાની નજીક પહોંચી ગઈ હતી. ટેકઓફ થયાના થોડા સમય પછી, અમને અભૂતપૂર્વ ઉથલપાથલનો સામનો કરવો પડ્યો.’

વેણુગોપાલે આગળ પોસ્ટમાં લખ્યું છે કે, ‘લગભગ એક કલાક પછી, કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નઇ તરફ વાળ્યું. લગભગ બે કલાક સુધી અમે લેન્ડિંગ પરવાનગીની રાહ જોતા એરપોર્ટ પર ચક્કર લગાવ્યા. અમને કહેવામાં આવ્યું કે, તે જ રનવે પર બીજું વિમાન હતું. તે જ સમયે કેપ્ટનના તાત્કાલિક રોકવાના નિર્ણયથી વિમાનમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.’

‘અમે કુશળતા અને નસીબથી બચી ગયા, પરંતુ મુસાફરોની સલામતી નસીબ પર આધાર રાખી શકાતી નથી. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને ખાતરી કરે કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય.’, એમ તેમણે ઉમેર્યું છે.

સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, કેરળના સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સિવાય આ ફ્લાઇટમાં યુડીએફ કન્વીનર અદૂર પ્રકાશ (Adoor Prakash), કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે. સુરેશ (Kodikunnil Suresh), કે. રાધાકૃષ્ણન (K. Radhakrishnan) અને તમિલનાડુના સાંસદ રોબર્ટ બ્રુસ (Robert Bruce) પણ સવાર હતા.

air india airlines news thiruvananthapuram chennai new delhi congress national news news