10 October, 2025 12:44 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટને ફરી એકવાર ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર વિયેનાથી દિલ્હી તરફ આવી રહેલ એર ઇન્ડીયાની ફ્લાઈટનું દુબઈમાં ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. ૩૯૦૦૦ ફીટની ઉંચાઈ પર ફ્લાઈટ AI-154નું ઓટો પાયલટ ફેઈલ તહી ગયું હતું. અહેવાલો મળી રહ્યા છે કે હાલમાં કોઇપણ તકલીફ વિના ફ્લાઈટને લેન્ડ કરી દેવાઈ છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રિયાના વિયેનાથી નવી દિલ્હી તરફ અવી રહેલ ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દુબઈમાં તેનું ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. એરલાઇને નિવેદનમાં જણાવ્યું છે કે જરૂરી તપાસ માટે થોડીકવાર માટે બ્રેક લીધા બાદ ફ્લાઇટ નવી દિલ્હી જવા માટે દુબઈ એરપોર્ટથી સવારે ૮.૪૫એ ફરીથી ઉપાડવામાં આવ્યું હતું.
ઍર ઇન્ડિયા (Air India)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "૯મી ઓક્ટોબરના રોજ વિયેનાથી નવી દિલ્હી તરફ આવી રહેલ AI-154માં ઓચિંતા કોઈ ટેકનિકલ ખામી ઉદ્ભવી હોવાની શંકા ગઈ હતી. જેના કારણે દુબઈ તરફ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનને દુબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાયું હતું અને જરૂરી તપાસ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને મુસાફરીમાં થનાર વિલંબ અંગે પણ સુચના આપી દેવામાં આવી હતી. જરૂરી નાસ્તો આપવામાં આવ્યો હતો અને ફ્લાઇટ ૮.૪૫ વાગ્યે રવાના થઈ હતી"
તાજતેરમાં જ ઓગસ્ટ મહિનામાં તિરુવનંતપુરમથી દિલ્હી જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, તે જ ફ્લાઇટમાં હાજર કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલએ દાવો કરતાં જણાવ્યું હતું કે એરલાઇન સાથે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. આ ઘટના બાદ ઍર ઇન્ડિયાએ વરિષ્ઠ કોંગ્રેસ નેતાના દાવાને ખોટો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે રનવે પર કોઈ અન્ય વિમાન આવ્યું નહોતું, પણ ચેન્નાઈ તરફ જવાનો ફ્લાઈટનો જે માર્ગ હતો તેમાં ટેકનિકલ સમસ્યા આવી હતી.
આ ઘટના (Air India) બાદ ફરી એકવાર અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટના આંખો સામે તરી આવે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જે વિમાનનું દુબઈમાં લેન્ડીંગ કરાયું છે તે જ મોડેલનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર 787-8 જૂન મહિનામાં અમદાવાદમાં દુર્ઘટનાનો ભોગ બન્યું હતું, અમદાવાદ દુર્ઘટનાની તપાસના અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે ઓટો પાયલટ સિસ્ટમ ફેઈલ થઇ ગયા બાદ વિમાનનું આરએટી ખૂલી શક્યું નહોતું, અને જેને કારણે મોટી દુર્ઘટના બની હતી. જોકે, તપાસ અહેવાલમાં એમ પણ બહાર આવ્યું હતું કે ઇંધણનો પુરવઠો બંધ થઇ જવાને કારણે એન્જિન બંધ થઈ ગયા હતા, જેના પરિણામે ઈમરજન્સી સિસ્ટમ એક્ટીવેટ થઇ ગઈ હતી.