12 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
પાંચમી માર્ચે શિકાગોના ઓ’હેર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી દિલ્હી માટે ઊપડેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI126ને પાંચ કલાક બાદ ફરી પાછી શિકાગો વાળવામાં આવી હતી, કારણ કે વિમાનમાં આવેલા બારમાંથી ૧૧ ટૉઇલેટ ઊભરાઈ ગયાં હતાં અને એકમાત્ર કાર્યરત ટૉઇલેટ બિઝનેસ ક્લાસમાં હતું. આના કારણે આશરે ૩૦૦ પ્રવાસીઓને ૧૦ કલાકની હેરાનગતિ ભોગવવી પડી હતી.
અમેરિકી મીડિયામાં જણાવવામાં આવ્યું હતું કે તમામ ટૉઇલેટ જૅમ થઈ ગયાં હતાં અને ત્યાં સુધીમાં વિમાન છેક ગ્રીનલૅન્ડ સુધી પહોંચી ગયું હતું, પણ પ્રવાસીઓએ ગોકીરો મચાવતાં પાઇલટે વિમાન પાછું વાળવું પડ્યું હતું.
શિકાગોથી દિલ્હીની સીધી ફ્લાઇટ ૧૪ કલાકની હતી, પણ માત્ર પાંચ કલાક બાદ ટૉઇલેટની સમસ્યા પેદા થઈ હતી. વિમાન શિકાગો પાછું વાળવામાં આવ્યા બાદ પ્રવાસીઓને હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા અને રીફન્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પણ ઘણા પ્રવાસીઓએ એમાં ઘણી મુશ્કેલી પડી હોવાની ફરિયાદ કરી હતી.
આ મુદ્દે ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ કારણોસર વિમાનને પાછું વાળવામાં આવ્યું હતું, પ્રવાસીઓને હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને દિલ્હી આવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.