Agnipath Scheme: કેટલાક નિર્ણયો પહેલાં ખરાબ લાગે, પરંતુ દેશ માટે અસરકારક છે: PM મોદી

20 June, 2022 06:44 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

અગ્નિપથ વિરુદ્ધ દેશભરમાં વિરોધ અને હિંસક પ્રદર્શનો ચાલુ છે

ફાઇલ તસવીર

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ મોદીનું એક નિવેદન સામે આવ્યું છે. જોકે, તેમણે આ યોજના અને તેના પર થઈ રહેલી હિંસા અને વિરોધનો સીધો ઉલ્લેખ કર્યો નથી. બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે કેટલાક નિર્ણયો પ્રથમ નજરમાં ખરાબ લાગે છે, પરંતુ બાદમાં તે દેશને વધુ સારો બનાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

અગ્નિપથ વિરુદ્ધ દેશભરમાં વિરોધ અને હિંસક પ્રદર્શનો ચાલુ છે. કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે અગ્નિપથની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાત બાદથી વિરોધ શરૂ થઈ ગયો છે. ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં દેખાવો પણ ખૂબ હિંસક થયા છે. આ યોજનાના વિરોધ વચ્ચે હવે ઘણા સંગઠનોએ 20 જૂને ભારત બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન ઘણી જગ્યાએ રેલ સેવા બંધ કરી દેવામાં આવી હતી અને ઘણી જગ્યાએ રસ્તા પર લાંબો જામ જોવા મળ્યો હતો.

બીજી તરફ સરકાર તરફથી તમામ રાજકીય લોકોની સાથે સેના પણ આ યોજનાના બચાવમાં આવી છે. સેનાનું કહેવું છે કે આ સ્કીમ પાછી ખેચવામાં આવશે નહીં. બીજી તરફ, આજે સેનાએ અગ્નિપથ સૈન્ય ભરતી યોજના હેઠળ સૈનિકોને સામેલ કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. સૈન્યએ જણાવ્યું હતું કે જુલાઈથી શરૂ થનારા નવા મોડલ હેઠળ તમામ નોકરી ઇચ્છુકો માટે સેનાની ભરતી વેબસાઇટ પર ઓનલાઇન નોંધણી ફરજિયાત છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ કેડર સિવાય ભારતીય સેનાના નિયમિત કેડરમાં સૈનિકોની ભરતી ફક્ત તે જ કર્મચારીઓ માટે ઉપલબ્ધ હશે, જેમણે અગ્નિવીર તરીકે તેમની સેવાનો સમયગાળો પૂર્ણ કર્યો છે. સેનાએ કહ્યું કે અગ્નિવીરોને તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ ફરીથી ચૂંટાઈ આવવાનો કોઈ અધિકાર રહેશે નહીં. અગ્નિવીરને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેમના માસિક પગારના 30 ટકા ફરજિયાતપણે ફંડમાં જમા કરાવવામાં આવશે અને સરકાર તે જ રકમનું યોગદાન આપશે.

14 જૂને જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વય જૂથના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે. આ અંતર્ગત 25 ટકા વધુ 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે. જોકે બાદમાં સરકારે 2022માં ભરતી માટેની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી, પરંતુ આ યોજના સામે ઘણા રાજ્યોમાં વિરોધ શરૂ થયો છે.

national news narendra modi bengaluru