Agnipath Row: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીર માટે અનામત રાખાશે બેઠકો, વય મર્યાદામાં પણ છૂટ

18 June, 2022 01:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે

ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે CAPF અને આસામ રાઈફલ્સમાં થનારી ભરતીમાં 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વયમર્યાદામાં પણ છૂટછાટ મળશે

ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે, આ છૂટ 5 વર્ષની રહેશે.

તમને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ચાર દિવસથી દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. અનેક જગ્યાએ પ્રદર્શનના નામે ટ્રેનોમાં આગ લગાવવાની અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. દેશભરના યુવાનો સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. જો કે સરકાર યુવાનોને શાંત કરવા માટે આ યોજનામાં ઘણા ફેરફારો કરી રહી છે, આ પહેલા પણ એવું કહેવામાં આવતું હતું કે અર્ધલશ્કરી દળોમાં ભરતી માટે વય મર્યાદા અને પસંદગી આપવામાં આવી હતી, પરંતુ તેની પણ કોઈ અસર થઈ નથી.

બે દિવસમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે

સેનાએ કહ્યું છે કે ભરતી માટે પ્રારંભિક સૂચના જારી કરીને બે દિવસમાં `અગ્નિપથ` યોજના હેઠળ પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ કરવામાં આવશે. આર્મી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક સૂચના જારી કર્યા પછી, આર્મીની વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ પછીથી ભરતી પ્રક્રિયાની વિગતો જેમ કે ખાલી જગ્યાઓની સંખ્યા, ભરતી રેલીનું સ્થળ અને પરીક્ષાનું સમયપત્રક આપશે.

અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ `અગ્નિપથ` યોજના હેઠળ ડિસેમ્બર સુધીમાં ભરતીની તાલીમ શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આર્મી આ નવી સ્કીમ હેઠળ ભરતી કરાયેલા પ્રારંભિક બેચને આગામી જૂન સુધીમાં ઓપરેશનલ અને નોન-ઓપરેશનલ ભૂમિકાઓમાં તહેનાત કરવાની યોજના ધરાવે છે.

national news home ministry