ડિફેન્સમાં રશિયા અને ફ્રાન્સ બાદ જપાન બનશે ભારતનો સાથી

28 May, 2022 12:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જપાન ભારત અને અન્ય અગિયાર દેશોને મિસાઇલ અને યુદ્ધવિમાન સહિત ઘાતક હથિયારોની નિકાસ માટે નીતિમાં બદલાવ લાવશે

પ્રતીકાત્મક તસવીર

ભારતે હવે ડિફેન્સની ખરીદી માટે માત્ર રશિયા અને ફ્રાન્સ જેવા કેટલાક દેશો પર જ નિર્ભર નહીં રહેવું પડે બલકે હવે આવા દેશોના લિસ્ટમાં જપાનનો પણ સમાવેશ થશે. જપાન ભારત અને અન્ય અગિયાર દેશોને મિસાઇલ અને યુદ્ધવિમાન સહિત ઘાતક હથિયારોની નિકાસ માટે આયોજન કરી રહ્યું છે. ચોક્કસ જ એનાથી ડિફેન્સ ઉત્પાદનમાં સહકાર માટેના બન્ને દેશોના પ્રયાસો મજબૂત થશે.  
ભારત, ઑસ્ટ્રેલિયા, કેટલાક યુરોપિયન અને દ​ક્ષ‌િણ-પૂર્વ એશિયન દેશોને નિકાસ કરવા માટે આવતા વર્ષે માર્ચ સુધીમાં નિયંત્રણોને હળવાં કરવામાં આવશે. જપાને ૨૦૧૪માં ડિફેન્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 
ટોક્યોમાં મંગળવારે ક્વાડના નેતાઓની સમિટ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા બન્ને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા માટે સંમત થયા બાદ આ મામલે વલણમાં ફરક આવ્યો છે. 
બહુ થોડા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે કે જેમણે જપાનની સાથે તેમના ડિફેન્સ ફોર્સિસની વચ્ચે સપ્લાય અને સર્વિસ માટે મહત્ત્વનો કરાર કર્યો છે. 
વાસ્તવમાં જપાનની સાથે સુરક્ષા કરાર કરનારા દેશોની સાથે સહકાર કરીને જૅપનીઝ સરકારનો ઇરાદો ચીનને એની વિસ્તારવાદી નીતિને પાર પાડતા રોકવાનો પણ છે. જપાનની સાથે સુરક્ષા કરાર કરનારા દેશોમાં વિયેતનામ, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને ઇટલીનો સમાવેશ થાય છે. 
ડિફેન્સમાં નિકાસ માટેના નવા નિયમો જપાન સરકારની આર્થિક અને નાણાકીય મૅનેજમેન્ટ વિશેની પૉલિસીના ભાગ રહેશે, જેને જૂનમાં ફાઇનલ કરવામાં આવશે.  
ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદીએ કિશિદાની સાથે ભારતમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટના સાથે મળીને વિકાસ અને ઉત્પાદનના મુદ્દે ચર્ચા કરી હતી. 
જપાન બ્રિટન અને અમેરિકા સાથે મળીને નવા કૉમ્બેટ જેટ અને ઍરક્રાફ્ટ વિરોધી મિસાઇલ તૈયાર કરવાના પ્લાન પર કામ કરી રહ્યું છે. 

national news japan russia france