લોકશાહીનો વિજય: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકેએ ખુશી વ્યક્ત કરી

25 July, 2026 03:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જંતર-મંતર ખાતે મુખ્ય મંચ પરથી સેંકડો સમર્થકોને સંબોધતા, અભિજીત દિપકેએ ટિપ્પણી કરી કે આ રાજીનામું સાબિત કરે છે કે સતત, શાંતિપૂર્ણ વિરોધ પરિવર્તન લાવી શકે છે. તેણે કહ્યું, "ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે."

અભિજીત દીપકે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ, દિલ્હીના જંતર-મંતર પર ઉજવણી કરી રહેલા કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના વિદ્યાર્થીઓ અને સમર્થકોએ આ પગલાનું સ્વાગત કર્યું. CJP ના સ્થાપક અભિજીત દિપકેએ તેને ‘લોકશાહીનો વિજય’ ગણાવ્યો, અને કહ્યું કે વિદ્યાર્થીઓના સતત, શાંતિપૂર્ણ આંદોલને સરકારને પગલાં લેવાની ફરજ પાડી છે.

અભિજીત દિપકેએ શું કહ્યું?

જંતર-મંતર ખાતે મુખ્ય મંચ પરથી સેંકડો સમર્થકોને સંબોધતા, અભિજીત દિપકેએ ટિપ્પણી કરી કે આ રાજીનામું સાબિત કરે છે કે સતત, શાંતિપૂર્ણ વિરોધ પરિવર્તન લાવી શકે છે. તેણે કહ્યું, "ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જો તમે ડરી ન જાઓ અને આ સરકાર સમક્ષ ઝૂકો નહીં, તો આપણે કોઈપણને રાજીનામું આપવા દબાણ કરી શકીએ છીએ." પોતાના સંબોધન દરમિયાન, દિપકેએ NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ આપી અને તમામ વિરોધીઓને તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળવા વિનંતી કરી.

એક વિરોધ જે મહિના સુધી ચાલ્યો

કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થવાની હતી ત્યારે જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું. વિરોધીઓ સતત એવું કહેતા રહ્યા હતા કે શિક્ષણ પ્રધાનનું રાજીનામું માગ તેમની ‘બિન-શરતી માગ’ છે. CJPના નેતૃત્વમાં, દેશભરમાં અઠવાડિયાથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા, જેમાં કથિત NEET-UG પેપર લીક, પરીક્ષા સુધારા અને વ્યાપક શિક્ષણ પ્રણાલી અંગે જવાબદારીની માગ કરવામા આવી હતી. દિલ્હીનું જંતર મંતર આ આંદોલનનું કેન્દ્રબિંદુ રહ્યું, જેને વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને વિપક્ષી નેતાઓ બન્ને તરફથી સમર્થન મળ્યું.

ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામામા શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત રાજીનામા પત્રમા, ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, "પહેલા દિવસથી જ મેં સંપૂર્ણ જવાબદારી લીધી અને ક્યારેય પરિસ્થિતિથી પીછેહઠ ન કરી. હું ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ હતો કે `પરીક્ષા માફિયા` કોઈપણ મૅરીટ વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડી ન શકે અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાયનો સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવા અને `રાષ્ટ્રવિરોધી શક્તિઓ` ચાલી રહેલા આંદોલનનો લાભ ન લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ મારા વ્યક્તિગત સન્માનનો પ્રશ્ન નથી. છેલ્લા 10 દિવસની ઘટનાઓએ મને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે." ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમા એમ પણ નોંધ્યું હતું કે ગેરરીતિના આરોપો બાદ, સરકારે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો, પરીક્ષા રદ કરી અને ફરીથી યોજી હતી અને પરીક્ષાને કમ્પ્યુટર-આધારિત ફોર્મેટમા લેવાનો નિર્ણય લીધો હતો. તેમણે શૈક્ષણિક સુધારા અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

abhijit dipake cockroach janata party neet exam indian government Education national news new delhi jantar mantar