28 February, 2026 09:04 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે વાયુશક્તિ યુદ્ધાભ્યાસ દરમ્યાન ઍરફૉર્સનાં ઍરક્રાફ્ટ્સ અને પ્રચંડ હેલિકૉપ્ટર.
રાજસ્થાનના જેસલમેરમાં ભારતની સૈન્ય-તાકાત અને આત્મનિર્ભરતાની ઐતિહાસિક ક્ષણ માટે ગૌરવ અનુભવાય એવો યુદ્ધાભ્યાસ ગઈ કાલે સાંજે થયો હતો. પોખરણમાં વાયુશક્તિ ૨૦૨૬નો સુપરસૉનિક બૂમ સાથે પ્રારંભ થયો હતો. એમાં ઑપરેશન સિંદૂરમાં કઈ રીતે કામગીરી થઈ હતી એનાં દૃશ્યો બતાવવામાં આવ્યાં હતાં. જૅગ્વાર અને મિરાજે દુશ્મનના રનવે અને હૅન્ગર જે રીતે ઉડાવી માર્યાં હતાં બરાબર એ જ રીતનું નિદર્શન પોખરણમાં કરવામાં આવ્યું હતું. ઍરફૉર્સની મહિલા ફાઇટરોએ પણ જાંબાઝ પ્રદર્શન કર્યું હતું. વાયુશક્તિ યુદ્ધાભ્યાસ દરમ્યાન આસમાનમાં વાયુસેનાનાં ફાઇટર જેટ્સ અને હેલિકૉપ્ટર્સે પોખરણમાં નિર્ધારિત કરેલા ટાર્ગેટ પર હુમલાનો અભ્યાસ કર્યો હતો.
આ યુદ્ધાભ્યાસ પહેલાં ગઈ કાલે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રચંડ હૅલિકૉપ્ટરમાંથી સૅલ્યુટ કરી હતી. સ્વદેશી LCH પ્રચંડ હૅલિકૉપ્ટરમાં કો-પાઇલટ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પચીસ મિનિટની ઐતિહાસિક ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ આત્મનિર્ભર ભારતની સૈન્યશક્તિનું પ્રતીક છે જે ડિફેન્સ ક્ષેત્રમાં પણ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપે છે.
આ અભ્યાસ દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને રાજ્યપાલ હરિભાઉ બાગડે પણ હાજર રહ્યા હતા.