18 December, 2025 01:01 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઉબર, રૅપિડો
સરકાર પહેલી જાન્યુઆરીથી રાજધાનીમાં ભારત ટૅક્સી નામની નવી ટૅક્સી-સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. આ ટૅક્સી-સર્વિસ દિલ્હીવાસીઓ અને હજારો ટૅક્સી-ડ્રાઇવરો માટે એક નવો અને સસ્તો વિકલ્પ પૂરો પાડશે; પણ ઓલા, ઉબર અને રૅપિડો જેવી મોટી ખાનગી ટૅક્સી ઍગ્રિગેટર કંપનીઓ માટે એક મોટો પડકાર ઊભો કરી શકે છે.
નવા વર્ષમાં દિલ્હીમાં ફોનમાં ભારત ટૅક્સી ઍપ ડાઉનલોડ કરીને સરળતાથી આ ટૅક્સીની રાઇડ બુક કરી શકાશે. આ સર્વિસ શરૂ કરવાનું સરકારનું ધ્યેય દેશનાં સૌથી મોટાં મેટ્રો શહેરોમાં પરિવહનને અનુકૂળ અને સસ્તું બનાવવાનો છે. શરૂઆતમાં ફક્ત દિલ્હીના રહેવાસીઓ જ આ સર્વિસનો લાભ લઈ શકશે. દિલ્હી પછી ગુજરાતના રાજકોટમાં પણ આ સરકારી ટૅક્સી-સર્વિસ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે.
ભારત ટૅક્સીની સર્વિસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે અન્ય ખાનગી કંપનીઓની તુલનામાં સસ્તી સવારી પ્રદાન કરે છે. આનાથી પૈસા જ બચશે એવું નથી, કૅબ-ડ્રાઇવરોને પણ ફાયદો થશે. ખાનગી ટૅક્સી-કંપનીઓ કૅબ-ડ્રાઇવરોની કમાણીનો મોટો હિસ્સો કમિશન તરીકે લે છે, ત્યારે ભારત ટૅક્સી ડ્રાઇવરોને તેમની મહેનત માટે મહત્તમ પુરસ્કાર આપશે.
ડ્રાઇવરોને તેમની કમાણીના ૮૦ ટકાથી વધુ રકમ મળશે. બાકીના ૨૦ ટકા તેમના સંચાલન અને કલ્યાણ માટે જશે. ફક્ત દિલ્હીમાં જ ૫૬,૦૦૦થી વધુ ડ્રાઇવરોએ નોંધણી કરાવી છે. ભારત ટૅક્સી ફક્ત કાર જ નહીં, ઑટો અને બાઇકનો વિકલ્પ પણ આપશે. આ સર્વિસની ટ્રાયલ દિલ્હી અને રાજકોટ ખાતે શરૂ થઈ ગઈ છે.