દેશની માફી માગતા વડા પ્રધાનનો નવો અવતાર જોવા મળ્યો

20 November, 2021 10:06 AM IST  |  New Delhi | Agency

વડા પ્રધાને ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી

દેશની માફી માગતા વડા પ્રધાનનો નવો અવતાર જોવા મળ્યો

ખેડૂતો છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી જેનો સખત અને સતત વિરોધ કરી રહ્યા હતા એ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની જયંતી ગુરપુરબ ઉત્સવના રોજ ગઈ કાલે આ જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કરાયેલી આ જાહેરાતને વિપક્ષો ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે. 
વડા પ્રધાને દેશને સંબોધતા કહ્યું હતું કે ‘દેશની માફી માગતા હું પવિત્ર હૃદય અને ખરા મનથી  કહેવા ઇચ્છું છું કે દીવાના પ્રકાશ જેટલું સ્પષ્ટ સત્ય અમે આપણા કેટલાક ખેડૂતભાઈઓને સમજાવી શક્યા નથી ત્યારે અમારી તપસ્યામાં કદાચ કંઈક ખૂટતું હશે. જોકે આજે પ્રકાશ-પર્વ છે, કોઈને દોષી ગણવાનો સમય નથી. હું દેશને કહેવા ઇચ્છું છું કે અમે ત્રણ કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતથી શરૂ થતાં સંસદના સત્રમાં અમે આ ત્રણ કાયદાઓ રદ કરવાની પ્રક્રિયા પૂરી કરીશું.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ગુરપુરબના પવિત્ર દિવસે હું વિરોધ પ્રદર્શન કરી રહેલા મારા તમામ ખેડૂત મિત્રોને તેમના ખેતરમાં અને તેમના પરિવારની પાસે પાછા ફરવાની અને નવી શરૂઆત કરવાની વિનંતી કરું છું.’ વડા પ્રધાને આ કાયદાઓનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘મેં જે કંઈ પણ કર્યું હતું એ ખેડૂતો માટે હતું અને હું જે કરી રહ્યો છું એ દેશ માટે છે.’
વાસ્તવમાં નરેન્દ્ર મોદી વિપક્ષ કે ટીકાકારોના પ્રેશર હેઠળ માફી માગનારા નેતા નથી. એટલે જ આ કૃષિ કાયદાઓને રદ કરતી વખતે તેમણે ક્ષમા માગીને તેમનો નવો અવતાર રજૂ કર્યો હતો. વાસ્તવમાં નોટબંધી હોય કે નાગરિકતા સંશોધન કાયદો કે પછી જીએસટી - તેઓ ક્યારેય વિપક્ષોના દબાણ હેઠળ ઝૂક્યા નથી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હજારો ખેડૂતો નવેમ્બર ૨૦૨૦થી દિલ્હીની બહાર મોરચે બેઠા છે. વડા પ્રધાને દેશના નામે સંબોધન કર્યું એ પછી તરત જ સોશ્યલ મીડિયા પર માસ્ટરસ્ટ્રોક હેશટૅગ ટ્રેન્ડિંગ હતું. 

પીએમ ભારતીયોના કલ્યાણનો જ વિચાર કરે છે : અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત વિશે યુનિક​ બાબત એ છે કે તેમણે આ જાહેરાત કરવા માટે ગુરુ પૂરબનો ખાસ દિવસ પસંદ કર્યો. એ એમ પણ સૂચવે છે કે તેઓ દરેકેદરેક ભારતીયના કલ્યાણ સિવાય બીજો કશો વિચાર કરતા નથી. તેમણે નોંધપાત્ર સ્ટેટ્સમૅનશિપ દાખવી છે.’

એમએસપી બાબતે કાયદાકીય ગૅરન્ટી આપો

બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ કહ્યું હતું કે ‘ખેડૂતોની આ જીત છે. આ આંદોલન દરમ્યાન મૃત્યુ પામનારા ખેડૂતોના પરિવારજનોને કેન્દ્ર સરકારે નાણાકીય સહાય અને તેમના પરિવારમાંથી કોઈ એકને સરકારી નોકરી પૂરી પાડવી જોઈએ. કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રમાં લઘુતમ ટેકાના ભાવ બાબતે બિલ રજૂ કરવું જોઈએ. એમએસપી બાબતે કાયદાકીય ગૅરન્ટી ખેડૂતોની મુખ્ય માગણી છે.’

શહીદ ખેડૂતોના પરિવારને ‍વળતર આપો

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધ રમૈયાએ જણાવ્યું હતું કે ‘હવે જ્યારે બીજેપીને આખરે તેમની ભૂલ સમજાઈ છે ત્યારે આ સંઘર્ષ દરમ્યાન શહીદ થનારા ખેડૂતોને ન્યાય આપવાનો સમય આવી ગયો છે. હું મૃતક ખેડૂતના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાની વડા પ્રધાનને અપીલ કરું છું.’ 

વિપક્ષી નેતાઓએ ખેડૂતોને અભિનંદન આપ્યા

 ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરતાં દેશભરમાંથી નેતાઓએ રિઅૅક્શન્સ આપ્યાં હતાં. અહીં જાણીએ કે આ મામલે કોણે શું કહ્યું હતું.
અન્યાયની  વિરુદ્ધ લોકશાહીની પણ જીત
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું હતું કે ‘ગાંધીવાદી આંદોલને વધુ એક વખત પોતાની તાકાત બતાવી છે. કેન્દ્ર સરકારને ત્રણેય કાળા કાયદાને પાછા ખેંચી લેવાની ફરજ પાડવા માટે દેશના ખેડૂતોને અભિનંદન.’

દરેકેદરેક ખેડૂતને મારા હૃદયથી અભિનંદન
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ટ્વીટ કર્યું હતું કે ‘સતત સંઘર્ષ કરનારા તેમ જ બીજેપી દ્વારા ક્રૂરતાપૂર્વકનો વર્તાવ છતાં વિચલિત ન થનારા દરેકેદરેક ખેડૂતને મારા હૃદયથી અભિનંદન. આ તમારી જીત છે.’

અહંકારનું માથું ઝુકાવી દીધું
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ‘દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાયની વિરુદ્ધ આ જીત બદલ અભિનંદન. જય હિન્દ. જય હિન્દ કા કિસાન.’ 
ખેડૂતોની શહીદી અમર રહેશે
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે ‘પ્રકાશ દિવસે કેટલા મોટા સુખદ ન્યુઝ મળ્યા. ત્રણેય કાયદાઓ રદ. ૭૦૦થી વધારે ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે. આગામી જનરેશન્સ યાદ રાખશે કે કેવી રીતે આ ખેડૂતોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ખેડૂતોને બચાવ્યા હતા.’

ચૂંટણી માટે માફી માગી
કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ‘શા માટે તેઓ આમ કરે છે? શું દેશવાસીઓ નથી સમજતા કે ચૂંટણી આવી રહી છે. તેઓ સર્વેમાં જોઈ શકે છે કે સ્થિતિ સારી નથી. એટલે ચૂંટણી પહેલાં તેમણે માફી માગી. સરકારના નેતાઓએ ખેડૂતોને શું શું નથી કહ્યું? આંદોલનજીવીઓ, ગુંડાઓ, આતંકવાદીઓ, દેશદ્રોહીઓ - આ બધા શબ્દો કોણે તેમના માટે વાપર્યા હતા? આ બધા શબ્દો કહેવાયા હતા ત્યારે શા માટે પીએમ મૌન હતા? તેમણે પોતે ‘આંદોલનજીવી’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.’

કરો મોઢું મીઠુ...

ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની વડા પ્રધાનની ની જાહેરાત બાદ પટિયાલામાં આપના કાર્યકરોએ લોકોમાં મીઠાઈ વહેંચી હતી. ખાસ કરીને પંજાબમાં લોકોએ ભારે ઉત્સાહથી આ જાહેરાતને આવકારી હતી.   પી.ટી.આઇ.

મહત્ત્વની ઘટનાઓ પર એક નજર

ખેડૂતોના આંદોલનના લગભગ એક વર્ષ બાદ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ સમગ્ર મામલે મહત્ત્વની ઘટનાઓ પર એક નજર કરીએ. 
૫ જૂન, ૨૦૨૦ : સૌથી પહેલાં ભારત સરકારે આ તારીખે ત્રણ વટહુકમ જાહેર કર્યા હતા જેમાં ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા), ખેડૂતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ સામેલ છે. 
૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ : સંસદનું મૉન્સૂન સેશન શરૂ થતાં જ સરકારે આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યાં હતાં. 
૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ : લોકસભામાં હંગામા વચ્ચે ત્રણેય બિલ પસાર થયાં હતાં. એ પછી ૨૦ સપ્ટેમ્બરે રાજ્યસભામાં પણ ત્રણેય બિલ હંગામા વચ્ચે પસાર થયાં હતાં. 
૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ : પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસનું રેલ રોલો આંદોલન શરૂ કર્યું હતું.
૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ :અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના બૅનર હેઠળ દેશભરના ખેડૂતો રસ્તાઓ પર ઊતર્યા હતા.
૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા.
૨૫ નવેમ્બર, ૨૦૨૦ : પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હી ચલોનું સૂત્ર આપ્યું હતું. દિલ્હી પોલીસે ખેડૂતોને કોરોનાના સંક્રમણનું કારણ આપીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
૨૬ નવેમ્બર, ૨૦૨૦ : દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતોને અંબાલામાં પોલીસ દળોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો પર વૉટર કૅનન અને ટિયર ગૅસના સેલ છોડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેમને દિલ્હી કૂચની પરમિશન આપી હતી. દિલ્હીની બૉર્ડર પર ખેડૂતો પહોંચ્યા. પોલીસે તેમને નિરંકારી ગ્રાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી.
૩ ડિસેમ્બર, ૨૦૨૦ : કેન્દ્ર સરકાર અને ખેડૂતોનાં સંગઠનોના પ્રતિનિધિઓની વચ્ચે પહેલા રાઉન્ડની વાતચીત થઈ, પરંતુ એ નિષ્ફળ રહી હતી. પાંચમી ડિસેમ્બરે બીજી વખત ખેડૂતો અને સરકારની વચ્ચે વાતચીત થઈ, પરંતુ એ પણ નિષ્ફળ રહી હતી.
૧૧ ડિસેમ્બર, ૨૦૨૦ : ત્રણેય કૃષિ કાયદાઓની વિરુદ્ધ ભારતીય કિસાન યુનિયને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ : સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. અદાલતે ૧૨ જાન્યુઆરીએ ચાર સભ્યોની એક કમિટી બનાવી હતી અને તમામ પક્ષકારોની સાથે વાતચીત બાદ સજેશન્સની ભલામણ કરવા કહ્યું હતું.
૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દિલ્હીમાં પોલીસ અને ખેડૂતોની વચ્ચે અથડામણ થઈ હતી. હંગામા પછી પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર ઝંડો પણ ફરકાવ્યો હતો. 
૨૮ જાન્યુઆરી, ૨૦૨૧ : ગાઝિયાબાદ વહીવટી તંત્રે રાત્રે પ્રદર્શન સ્થળને ખાલી કરાવવાની કોશિશ કરી હતી અને ટિયર ગૅસના સેલ છોડતાં તનાવ વધ્યો હતો. રાકેશ ટિકૈતે ત્યાં તંબુ તાણ્યો હતો અને ત્યાંથી નહીં ખસવાની જાહેરાત કરી હતી.
૫ માર્ચ, ૨૦૨૧ : પંજાબ વિધાનસભામાં ત્રણેય કૃષિ કાયદાઓને કોઈ શરત વિના પાછા ખેંચી લેવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
૩ ઑક્ટોબર, ૨૦૨૧ : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાએ  ખેડૂતો પર વેહિકલ ચડાવી દીધું હતું. એ પછી ફાટી નીકળેલી હિંસામાં ચાર જણનાં મોત નીપજ્યાં હતાં.

national news narendra modi