રાજીવ ગાંધીની હત્યા અકસ્માત હતી કે આતંકવાદી ઘટના: વી. કે. સિંહ

06 March, 2019 08:07 AM IST  | 

રાજીવ ગાંધીની હત્યા અકસ્માત હતી કે આતંકવાદી ઘટના: વી. કે. સિંહ

વી. કે. સિંહ

કેન્દ્રના પ્રધાન વી. કે. સિંહે ગઈ કાલે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના પુલવામા ટેરર અટૅકને અકસ્માત ગણાવતા બયાનની ટીકા કરતાં સવાલ પૂછ્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા એ અકસ્માત હતો કે આતંકવાદી ઘટના હતી? અગાઉ દિગ્વિજય સિંહે પુલવામા ટેરર અટૅકને હિન્દીમાં ‘દુર્ઘટના’ ગણાવતાં સરકારની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઊભો કર્યો હતો.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટ્સમાં બાલાકોટ ઍર-સ્ટ્રાઇકમાં આતંકવાદીઓની જાનહાનિના આંકડા સામે પણ તેમણે પ્રશ્ન કર્યો હતો. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન ઉપરાંત તમારી સરકારના અન્ય પ્રધાનો ૩૦૦ આતંકવાદી માર્યા ગયા હોવાનું કહે છે. BJPના પ્રમુખ અમિત શાહ કહે છે કે ૨૫૦ આતંકવાદીઓ માર્યા ગયા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કહે છે કે ૪૦૦ આતંકવાદીઓ માર્યા ગયા. તમારા પ્રધાન એસ. એસ. અહલુવાલિયા કહે છે કે ઍર-સ્ટ્રાઇકમાં એક પણ મૃત્યુ થયું નથી. વળી તમે એ બાબતમાં મૌન રાખો છો. આ બાબતમાં કોણ ખોટું બોલે છે એ દેશના લોકો જાણવા ઇચ્છે છે.’

અનેક વિપક્ષી નેતાઓએ બાલાકોટ ઍર-સ્ટ્રાઇક સામે પ્રશ્નો ઊભા કર્યા પછી દિગ્વિજય સિંહે સવાલો કર્યા હતા.

વી. કે. સિંહે જણાવ્યું હતું કે ‘અમિત શાહે સમર્થનપ્રાપ્ત આંકડો કહ્યો નથી. તેમણે અંદજિત આંકડો જણાવ્યો છે. આંકડો બાલાકોટ પર હુમલાનો છે. હુમલો એક ઠેકાણે કરવામાં આવ્યો હતો, અન્યત્ર કરવામાં આવ્યો નહોતો. સ્થાનિક નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય એ માટે રહેઠાણોના વિસ્તારોથી દૂર અત્યંત કાળજીપૂર્વક ટાર્ગેટ પસંદ કરવામાં આવ્યા હતા.’

આ પણ વાંચો : ભારત પર દરિયાઈ માર્ગે આતંકવાદી હુમલાની ટ્રેઇનિંગ ચાલે છે : સુનીલ લાંબા

કૉન્ગ્રેસીઓ ઇચ્છે તો પાકિસ્તાન જઇને આતંકીઓના મૃતદેહો ગણી શકે: રાજનાથ સિંહ

કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ગઈકાલે BSF ના એક બોર્ડર પ્રોજેક્ટના ઉદ્દઘાટન બાદ જણાવ્યું હતું કે નૅશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(NTRO)ની સિસ્ટમ દ્વારા જાણવા મળ્યું હતું કે ‘ભારતની એરસ્ટ્રાઇક પૂર્વે બાલાકોટના આતંકવાદી અડ્ડા પર ૩૦૦ મોબાઇલ ફોન્સ સક્રિય હતા. એ મોબાઇલ ફોન્સ ત્યાંના ઝાડપાન વાપરતા હતા? તમે NTRO પર પણ વિશ્વાસ નહીં રાખો? જો કૉન્ગ્રેસના નેતાઓ બાલાકોટ એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા જાણવા ઇચ્છતા હોય તો તેઓ પાકિસ્તાન જઇને ત્યાં મૃતદેહોની ગણતરી કરી શકે છે.

digvijaya singh rajiv gandhi national news congress rajnath singh