ઉન્નાવ રેપ કેસ : ટ્રાયલ દરમ્યાન મને દુઃસ્વપ્નો આવતાં હતાં

30 December, 2019 02:07 PM IST  |  Mumbai | Gaurav Sarkar

ઉન્નાવ રેપ કેસ : ટ્રાયલ દરમ્યાન મને દુઃસ્વપ્નો આવતાં હતાં

ડિસ્ટ્રિક્ટ જજ ધર્મેશ શર્મા

૨૦ ડિસેમ્બરના રોજ સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ જજ ધર્મેશ શર્માએ આદેશ આપ્યો હતો કે બીજેપીના બરતરફ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગર ૨૦૧૭માં ઉન્નાવમાં એક સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ તેમની બાકીની જિંદગી જેલમાં પસાર કરશે. થોડી જ વારમાં અૅડ્વોકેટ ધર્મેન્દ્ર કુમાર મિશ્રાએ આ સમાચાર તેમની ક્લાયન્ટ – પીડિતાને આપ્યા હતા, જે રાયબરેલીમાં ૨૮ જુલાઈએ તેના વાહન સાથે ટ્રક અથડાવાના કારણે થયેલી ઈજા માટે દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે સારવાર હેઠળ છે.

તેણે મને કહ્યું – આપ જૈસે વકીલ યદી હોંગે, તો દેશ કી બેટીયોં કો જરૂર ન્યાય મિલેગા, તેમ મિશ્રાએ રવિવારે દિલ્હીથી ફોન પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું.

આ કેસની ૧૩૦ દિવસની ટ્રાયલ ઑગસ્ટમાં શરૂ થઈ હતી અને ડિસેમ્બર સુધી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં તે રોજિંદા ધોરણે હાથ ધરાતી હતી. તેણે (સેંગરે) તેના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે – તે હવે અપરાધી છે, તેમ મિશ્રાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૨૮ જુલાઈના રોજ બનેલી ઘટનામાં પીડિતાની બહેન અને તેના સંબંધીનાં મોત બાદ કેસને દિલ્હી ખસેડવામાં આવ્યા બાદ મિશ્રાએ આ કેસ હાથ પર લીધો હતો. યુવતીના વકીલ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ દિલ્હીમાં સારવાર હેઠળ છે. પીડિતા હવે સ્થિર છે અને તે ઉત્તર પ્રદેશમાં તેના ઘરે પરત ફરી છે.

સીબીઆઇ બે મહિલાઓના દુર્ભાગ્યપૂર્ણ મોતને અકસ્માત ગણાવે છે – પરંતુ હું કહીશ કે તે અકુદરતી મોત હતું, તેમ મિશ્રાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : એચડીઆઇએલને અપાતી હતી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે કેસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પૉઇન્ટ્સ રહેલા હતા. આ કેસમાં તકનીકી અને ડિજિટલ પાસાંનું અદાલતનું વિશ્લેષણ અગત્યનું ટર્નિંગ પૉઇન્ટ બન્યું હતું. તે ઘણાં તથ્યો બહાર લાવ્યું હતું. જેમ કે ૪ જૂનના રોજ સેંગરે યુવતી પર બળાત્કાર ગુજાર્યો તે દિવસે તેની ગતિવિધિ. સેંગરે બચાવમાં એવો દાવો કર્યો હતો કે તે અપરાધના સ્થળે હાજર ન હતો જે ખોટો પુરવાર થયો હતો. તે જ રીતે હાર્ડ ડિસ્ક અને મોબાઇલ ફોનની જપ્તિ પણ અગત્યનાં બની રહ્યાં.

national news sexual crime uttar pradesh