એસસી-એસટી ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ

05 December, 2019 12:37 PM IST  |  New Delhi

એસસી-એસટી ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ

લોકસભા

કેન્દ્રની મોદી સરકારની કૅબિનેટ બેઠકમાં ૬ મહત્વના બિલોને લીલી ઝંડી મળી ગઈ. જેમાં સૌથી મહત્વના બિલમાં નાગરિકતા સંશોધન બિલ, એસસી-એસટીને અનામત અને સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલને મંજૂરી અપાઈ. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને કૅબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી સંસદમાં રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે એસસી-એસટીને જે અનામત મળે છે તેમાં દર ૧૦ વર્ષ બાદ વધારો કરવો પડે છે. આ વખતે પણ સરકારે એસસી-એસટી અનામતના સમયગાળાને ૧૦ વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે આ અનામત ૨૦૨૦માં પૂરી થઈ રહી હતી જેને હવે ૨૦૩૦ સુધી વધારવામાં આવી છે.

આ પણ વાંચો : દિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટ: 16 ડિસેમ્બરથી ફ્રી વાઇ-ફાઇ મળશે

જાવડેકરે જણાવ્યું કે કૅબિનેટે સિટિઝન અમેન્ડમેન્ટ બિલને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે સીનિયર સિટિઝનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કૅબિનેટે સીનિયર સિટિઝન અમેન્ડમેન્ટ બિલને લીલી ઝંડી આપી દીધી છે. આ ઉપરાંત ત્રણ સંસ્કૃતની ડિમ્ડ યુનિવર્સિટીને એક સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની મંજૂરી આપી દેવાઈ છે જેને જલદી સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર અનામત (બીજું સંશોધન) બિલ, ૨૦૧૯ને પાછું લાવવાની મંજૂરી પણ કૅબિનેટે આપી દીધી છે.

Lok Sabha national news prakash javadekar