CJI રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસ કરશે 3 સભ્યોની કમિટી

24 April, 2019 08:26 AM IST  |  દિલ્હી

CJI રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસ કરશે 3 સભ્યોની કમિટી

CJI રંજન ગોગોઈ (ફાઈલ ફોટો)

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના બીજા નંબરના સિનિયર જજ એસ. એ. બોબડેની નિયુક્તિ કરાઈ છે. એસ. એ. બોબડેએ આ વાતને સમર્થન આપ્યું છે. બોબડે વરિષ્ઠતા પ્રમાણે બીજા નંબરના જજ છે.

જસ્ટિસ બોબડે એ કહ્યું કે નંબર 2 જજ હોવાને કારણે મુખ્ય ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારી તરફથી CJI વિરુદ્ધ લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ માટે મારી નિમણૂક કરી છે. ન્યાયમૂર્તિ બોબડોની સાથે સુપ્રીમ કોર્ટના અન્ય બે જસ્ટિસ એન. વી. રમન અને ઈન્દિરા બેનર્જીને સામેલ કરીને એક કમિટી બનાવાઈ છે. આ કમિટી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધના યૌન શોષણના આરોપની તપાસ કરશે.

આ મામલે પહેલી સુનાવણી શુક્રવારે થશે. સર્વોચ્ચ અદાલતના મહાસચિવને પણ તમામ દસ્તાવેજો અને સામગ્રી સાથે તૈયાર રહેવા કહેવાયું છે. જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ ઔપચારિક ન્યાયિક પ્રક્રિયા નથી. અમે આંતરિક તપાસ કરીશું. જેમાં બંને પક્ષનઓએ પોતાના વકીલો તરફથી પ્રતિનિધિત્વ નહીં આપવાનું હોય. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તપાસ પૂર્ણ કરવા માટે કોઈ તારીખ નક્કી નથી કરાઈ. ભવિષ્યમાં તપાસમાં શું સામે આવે છે, તે બધું જ ખાનગી રહેશે.

આ પણ વાંચોઃ રંજન ગોગોઈને બદનામ કરવા માટે વકીલને મળી હતી દોઢ કરોડ રૂપિયાની ઑફર

ઉલ્લેખનીય છે કે શનિવારે ચીફ જસ્ટિસ ગોગોઈના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે CJI વિરુદ્ધના આરોપોની સુનાવણી કરી હતી. જેમાં CJIએ પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપોને ફગાવી દીધા હતા, અને મોટા ષડયંત્રનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ તાકાતવાન વ્યક્તિઓ CJIને નિષ્ક્રિય કરવા ઈચ્છે છે. જો કે મંગળવારે CJIએ નવી બેન્ચ બનાવીને જસ્ટિસ મિશ્રા, આર. એફ. નરીમન અને દીપક ગુપ્તાને યૌન શોષણ કેસની તપાસમાં સામેલ કર્યા હતા.

 

supreme court national news