નાગરિકતા કાયદાની ખોટી ગેરસમજ દૂર થવી જોઈએઃ ઉદ્ધવ ઠાકરે

06 February, 2020 08:40 AM IST  |  Mumbai Desk

નાગરિકતા કાયદાની ખોટી ગેરસમજ દૂર થવી જોઈએઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ એવો હુંકાર કર્યો હતો કે અમે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપનો અમલ નહીં થવા દઈએ. એનઆરસી હિન્દુઓ ઉપરાંત બીજી કોમો અને જાતિઓ માટે પણ ચિંતાજનક વિષય છે. નાગરિકતા અંગેના નવા કાયદા વિશે બોલતાં તેમણે કહ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, કારણકે અહીં નાગરિકતા આપવાની વાત છે, લેવાની વાત નથી. ખોટી ગેરસમજ ફેલાવાઈ રહી હોય તો એ દૂર થવી જોઈએ.

તેમણે કહ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુઓ લઘુમતીમાં છે અને એમના પર અત્યાચાર થાય છે એ હકીકત જગજાહેર છે. એવા જે લોકો અહીં આવે તેમને નાગરિકતા આપવાની વાત સીએએમાં છે. કોઈના નાગરિકત્વને ઝૂંટવી લેવાની એમાં વાત જ નથી. આપણી પાડોશમાં બે ઇસ્લામી દેશો છે - પાકિસ્તાન અને બંગલા દેશ.

તેમણે કહ્યું કે કેટલા હિન્દુ શરણાર્થી આવ્યા અને કેટલાને નાગરિકત્વ આપ્યું એના આંકડા કેન્દ્ર સરકારે જાહેર કરવા જોઈએ. આવા શરણાર્થીઓ ક્યાં રહેશે, તેમને કઈ સગવડો મળશે, તેમનાં બાળકો ક્યાં - કેવી રીતે ભણશે વગેરે મુદ્દે પણ સ્પષ્ટતા થવી ઘટે છે.
દેશના મુસલમાનો ખૂબ ડરી ગયા છે એવું કહેવામાં આવતાં ઠાકરેએ કહ્યું કે દેશના નાગરિક હોય એવા મુસ્લિમોએ ડરવાનું કોઈ કારણ નથી. એનઆરસી બાબત બોલતાં તેમણે કહ્યું કે આ મુદ્દે પણ મુસ્લિમોએ ડરવાની જરૂર નથી, કારણકે તમામ લોકોએ પોતે નાગરિક છે એ સાબિત કરવાનું છે.

જે લોકો નાગરિક નથી અને ગેરકાયદે એક યા બીજી રીતે દેશમાં ઘૂસી ગયા છે એ લોકોએ ડરવાનું છે. આમાં હિન્દુ-મુસ્લિમ બધા આવી જાય છે. આસામની વાત લ્યો તો ત્યાં ૧૯ લાખ લોકો નાગરિકતા સાબિત કરી શક્યા નથી. એ ૧૯ લાખમાં ૧૪ લાખ હિન્દુ છે. એટલે માત્ર મુસ્લિમો પૂરતી આ વાત નથી.

uddhav thackeray citizenship amendment act 2019