રાષ્ટ્રપતિ સોમવારે આઇસલૅન્ડ સહિત ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે રવાના થશે

08 September, 2019 01:05 PM IST  |  ઇસ્લામાબાદ/ન્યુ દિલ્હી

રાષ્ટ્રપતિ સોમવારે આઇસલૅન્ડ સહિત ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે રવાના થશે

રામનાથ કોવિંદ

જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન એટલી હદે અકળાયું છે કે તાજેતરમાં ભારત સાથેના વ્યાવસાયિક સંબંધો કાપ્યા બાદ પોતાના ઍરસ્પેસને ભારતીય ફ્લાઇટ માટે પણ બંધ કરી દીધો હતો. પાકિસ્તાને પોતાની નાપાક કરતૂતો યથાવત્ રાખતાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આઇસલૅન્ડના પ્રવાસ દરમિયાન પોતાના ઍરસ્પેસમાં પ્રવેશવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેબૂબ કુરેશીએ શનિવારે આ વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ નિર્ણયને મંજૂરી આપી હતી. જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને નાબૂદ કરતી કલમ-૩૭૦ હટાવાયા બાદ ભારત દ્વારા કાશ્મીરની પ્રજા સાથે સતત જુલમ કરવામાં આવી રહ્યો છે એમ પાકિસ્તાન પ્રધાને જણાવ્યું હતું.

દિલ્હી દ્વારા કાશ્મીરમાં બર્બરતા એ ગંભીર બાબત છે અને આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર પરિષદમાં પણ લઈ જવામાં આવશે એમ પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીએ વધુમાં જણાવ્યું હતું. કાશ્મીરમાં એક મહિનાથી પણ વધુ સમયથી કરર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ રાષ્ટ્રો આઇસલૅન્ડ, સ્વિત્ઝરલૅન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે રવાના થવાના છે. રાષ્ટ્રપતિ તેમની આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રોના નેતાઓને કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાથી વાકેફ કરવાના હોવાનું વિદેશ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું.

આ પણ વાંચો : કાશ્મીરીઓ કલમ-370 દૂર થવાથી ખુશ : અજિત ડોભાલ

જો કોઈએ હુમલો કર્યો તો ભારત એનો જડબાતોડ જવાબ આપશેઃ નાયડુ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ એકવાર ફરી ઈશારા-ઈશારામાં પાકિસ્તાનને ચેતવણી આપી છે. નાયડુએ કહ્યું છે કે ભારત ગંભીર રીતે ઉશ્કેરવા છતાં સંયમ સાથે કામ કરી રહ્યું છે પરંતુ જો ભારત પર હુમલો થયો તો અમે એનો જડબાતોડ જવાબ આપીશું. ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ શુક્રવારે પાકિસ્તાનને આ ચેતવણી આપી છે. વેન્કૈયા નાયડુએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કાર્યાલયમાં પોતાના દ્વિતીય વર્ષ દરમ્યાન આપેલાં ૯૫ ભાષણોના સંકલનના લૉન્ચિંગ કાર્યક્રમમાં આ ચેતવણી આપી છે. ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે ગંભીર ઉત્તેજનાઓ છતાં તમે તાજેતરના દિવસોમાં દેખી રહ્યા છો, અમે કશુંય કરી રહ્યા નથી, પરંતુ જો કોઈ આપણા પર હુમલો કરે છે તો આપણે એને જડબાતોડ જવાબ આપીશું, જેનાથી એ પોતાના જીવનમાં એ ક્યારેય એ ભૂલી શકશે નહીં.

ram nath kovind national news