રાજકીય પક્ષો જોડવા અને તોડવાના પવાર-યુગનો અંત આવ્યો : ફડણવીસ

22 September, 2019 02:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

રાજકીય પક્ષો જોડવા અને તોડવાના પવાર-યુગનો અંત આવ્યો : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ (પી.ટી.આઇ.) એનસીપીના નેતા શરદ પવાર પર પ્રહારો કરતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘રાજકીય પક્ષો જોડવા અને તોડવાના ‘પવાર-યુગ’નો હવે અંત આવ્યો છે. જે પરિસ્થિતિ ઊભી કરવા માટે શરદ પવાર જાણીતા હતા, એ જ સ્થિતિ હવે એનસીપીને ભરખી રહી છે. વિરોધ પક્ષોના નેતાઓ એમના કાર્યકરોમાં આત્મવિશ્વાસ જગાવવામાં નિષ્ફળ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું ભાવિ સુરક્ષિત હોવાનું સમજાઈ ગયું હોવાથી વિરોધ પક્ષોના નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે.’

ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘બીજેપીની સરકાર મહારાષ્ટ્રના સાકર કારખાનાંના અધિપતિઓને નોટિસો મોકલીને શાસક પક્ષમાં જોડાવા મજબૂર કરતા હોવાનો આરોપ શરદ પવાર મૂકે છે, પરંતુ હકીકતમાં પવારસાહેબ પોતે એ પ્રવૃત્તિ કરતા હોવાથી એમને એવું લાગે છે કે અમે પણ એવું કરીશું. એમના અને અમારા રાજકારણમાં જમીન-આસમાનનો તફાવત છે. તેઓ જે પ્રકારનું રાજકારણ ખેલ્યા છે, એવું રાજકારણ કરવાની અમને કોઈ જરૂર જણાતી નથી.

હું ‘સામના’ વાંચતો નથી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી બીજેપી અને શિવસેના સાથે મળીને લડશે અને હું ફરી મુખ્ય પ્રધાનપદે પાછો ફરીશ. બીજેપી ૧૬૨ અને શિવસેના ૧૨૬ બેઠકો પર ચૂંટણી લડનાર હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોને ફડણવીસે રદિયો આપ્યો હતો. ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધતાં ફડણવીસે જણાવ્યું હતું કે શિવસેના અને બીજેપી વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટ ચાલતી હોવાથી એ બાબતની અટકળો અને ચર્ચાઓ પર આધારિત અહેવાલો પર ધ્યાન આપવું ન જોઈએ. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સરકારની ટીકાઓ વિશેના સવાલના જવાબમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હું ‘સામના’ વાંચતો નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોની ચૂંટણી માટે ૨૧ ઑક્ટોબરે મતદાન યોજાશે અને ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે.

devendra fadnavis mumbai maharashtra