અખિલેશ યાદવને મળ્યા તેજસ્વી યાદવ, કહ્યું- બીજેપી બંધારણ વિરોધી પાર્ટી

14 January, 2019 03:46 PM IST  |  લખનઉ, UP

અખિલેશ યાદવને મળ્યા તેજસ્વી યાદવ, કહ્યું- બીજેપી બંધારણ વિરોધી પાર્ટી

તેજસ્વી યાદવ મળ્યા અખિલેશ યાદવને અને પછી મીડિયાને સંબોધ્યું.


બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ગઈકાલ રાતથી લખનઉના રાજકારણને ગરમાવી દીધું છે. બસપા સુપ્રીમો માયાવતી સાથે લાંબી મુલાકાત પછી તેઓ આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા. આ દરમિયાન તેમણે મીડિયાને પણ સંબોધન કર્યું.

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાની વચ્ચે ગઠબંધન માટે હું ખરા દિલથી અખિલેશ યાદવ અને માયાવતીજીને ધન્યવાદ આપું છું. ભાજપ વિરુદ્ધ આ ગઠબંધન દેશના રાજકારણની દિશા અને દશા નક્કી કરશે. તેજસ્વીએ કહ્યું કે ભાજપ તો બંધારણની હત્યા કરનારી પાર્ટી છે. લોકસભા ચૂંટણીમાં આવી બંધારણ વિરોધી પાર્ટીનો તો હવે ઉત્તરપ્રદેશની સાથે જ બિહારમાંથી પણ સફાયો થઈ જશે. આ પાર્ટીની 'ઉલટી ગિનતી' ચાલુ થઈ ગઈ છે. નાગપુરિયા કાયદાથી દેશ ચલાવવામાં આવી રહ્યો છે. બંચ ઓફ થોટ્સના પુસ્તકને બંધારણની જગ્યાએ રાખવા માંગે છે.

તેજસ્વીએ કહ્યું કે આ પાર્ટીએ દેશના લોકોને ધર્મ અને જાતિના નામ પર લડાવીને પોતાનું કામ પાર પાડ્યું છે. હવે લોકોને તેમના આખા ષડ્યંત્રની જાણ થઈ ગઈ છે. ભાજપની સરકારમાં મોબ લિંચિંગ વધ્યું છે. સમાજમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. દેશમાં ચારેબાજુ બિનજાહેર ઇમરજન્સીનો માહોલ છે. તેમના રાજમાં તો દરેક બંધારણીય સંસ્થાઓને સરમુખત્યારી કરીને પોતાના ફાયદા માટે ચલાવવામાં આવી રહી છે. દેશમાં બેરોજગારી વધી છે. ખેડૂતો પણ મરી રહ્યા છે.

તેજસ્વીએ કહ્યું કે અમે ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને સમર્થન આપીશું. કેન્દ્ર સરકારનો મુખ્ય રસ્તો યુપી અને બિહારમાંથી જ પસાર થાય છે. આ વખતે તો ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે જ ઝારખંડમાં ભાજપને બહુ નુકસાન થવાનું છે. ભાજપે બિહારમાં લોકોને ઠગ્યા છે. પીએમ મોદીએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપ્યો. વિશેષ પેકેજમાંથી એક રૂપિયો પણ હજુ સુધી નથી આપ્યો.

આ પણ વાંચો: કર્ણાટક: ફરી અસ્થિર થઈ કુમારસ્વામીની સરકાર, 3 ધારાસભ્યો BJPના સંપર્કમાં

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દરેક વર્ગ ભાજપને હટાવવા માંગે છે. અમે તો અમારા ગઠબંધનને વધુ મજબૂત કરીશું. સપા-બસપા ગઠબંધનની ખુશી આખા દેશમાં છે. દિલ્હીથી કલકત્તા સુધીના લોકો અમારા નિર્ણયથી ખુશ છે. આગામી ચૂંટણીમાં ગઠબંધને સમર્થન મળશે. દેશમાં યુપીના ગઠબંધનનો એક મોટો સંદેશ ગયો છે.

આ પહેલા તેજસ્વી યાદવે આજે સમાજવાદી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં અખિલેશ યાદવ સાથે લાંબી મુલાકાત કરી. તેમણે સમાજવાદી પાર્ટીના અન્ય ઘણા નેતાઓની પણ મુલાકાત લીધી.

akhilesh yadav lucknow mayawati