SCની ચારધામ હાઇવેને જોડતી 900 કિમીની મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી

18 August, 2019 09:55 AM IST  |  નવી દિલ્હી

SCની ચારધામ હાઇવેને જોડતી 900 કિમીની મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી

સુપ્રીમ કોર્ટ (File Photo)

ચારધામની યાત્રાએ જનારા લોકો માટે એક ખુશખબર છે. એ મુજબ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તરાખંડનાં ચાર પવિત્ર ધાર્મિક શહેરોને દરેક મોસમમાં જોડનારા ૯૦૦ કિલોમીટર લાંબા મહત્ત્વાકાંક્ષી ચારધામ હાઇવે યોજનાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે એનજીટીને આદેશમાં ફેરફાર કરતાં પર્યાવરણની બાબતો પર વિચાર કરવા એક સમિતિની રચના કરવાનું કહ્યું છે. ૯૦૦ કિલોમીટરના આ હાઇવેથી કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી અને ગંગોત્રી યાત્રાધામોને જોડવામાં આવશે.

જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને ૨૨ ઑગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલાં એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈ કોર્ટના એક ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં લૅન્ડલાઇન સર્વિસ પૂર્વવત્, જમ્મુમાં 2G ઇન્ટરનેટ સર્વિસ શરૂ

આ પહેલાં સિટિઝન ફૉર ગ્રીન દૂન નામના એનજીટીએ પાછલા વર્ષે ૨૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. જોકે કોર્ટે હવે સમિતિની દેખરેખ હેઠળ બધું કામ થાય અને દર ત્રણ મહિને મીટિંગ કરીને પર્યાવરણના માનકોનું ધ્યાન રખાઈ રહ્યું છે કે નહીં એ સુનિશ્ચિત કરવા કહ્યું છે. સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્રોતોને નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખશે.

supreme court national news