કાશ્મીર ઘાટીમાં અફરાતફરીનો માહોલ, પેટ્રોલ પંપ-એટીએમ પર ભારે ભીડ

04 August, 2019 09:22 AM IST  |  શ્રીનગર

કાશ્મીર ઘાટીમાં અફરાતફરીનો માહોલ, પેટ્રોલ પંપ-એટીએમ પર ભારે ભીડ

અમરનાથના યાત્રાળુઓ અને પર્યટકોને તેમના પ્રવાસ ટૂંકાવીને પાછા જતા રહેવાની સૂચના જમ્મુ-કાશ્મીરની સરકારે તથા લશ્કરે બહાર પાડ્યા બાદ શ્રીનગરના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ મેળવવા લોકોની લાંબી લાઇન લાગી હતી.

કાશ્મીર ઘાટીમાં અમરનાથ યાત્રીઓ તથા પર્યટકોને વહેલી તકે જગ્યા ખાલી કરવાની ઍડ્વાઇઝરી બાદ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. શુક્રવાર સાંજે જાહેર કરવામાં આવેલી આ ઍડ્વાઇઝરી બાદ પૂંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક લોકો એને કોઈ મોટી ઘટનાની આહટ માની રહ્યા છે અને રોજિંદા જરૂરિયાતના સામાનની સાથે રૅશનની ખરીદી શરૂ કરી દીધી છે. ત્યાં સુધી કે પેટ્રોલ પંપો ખાતે પણ લોકોની લાંબી લાઇનો લાગી ગઈ છે.

અફવાઓના કારણે લોકો પોતાનાં ઘરોમાં રોજિંદો સામાન એકત્ર કરવા લાગ્યા છે. હાલત એવી થઈ ગઈ છે કે અનેક પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ ગયાં છે. એટીએમની બહાર પણ લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. મેડિકલ સ્ટોર પર લોકો જરૂરિયાતની દવાઓ ખરીદતા જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવાર રાત્રે કહ્યું હતું કે અમરનાથ યાત્રાને વચમાં રોકવાને અન્ય મુદ્દાઓની સાથે જોડીને બિનજરૂરી ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. તેઓએ રાજકીય નેતાઓને પોતાના સમર્થકોથી શાંતિ કાયમ રાખવા તથા અતિશયોક્તિપૂર્ણ અફવાઓ પર ભરોસો ન કરવાની અપીલ કરવાનો અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : મહેબુબા મુફ્તિના ઘરે હાઇલેવલ બેઠક : પક્ષોને એકજૂટ થવા અપીલ

જમ્મુ-કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર બસીર અહમદ ખાને કહ્યું કે કર્ફ્યું નથી લાદવામાં આવ્યો અને ન એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે આજે સ્કૂલ બંધ નહીં રહે. તેઓએ કહ્યું કે રાજ્યમાં શાંતિ કાયમ રાખવા માટે ગૃહ વિભાગે પૂરતી ઇન્ટેલિજન્સ સૂચનાઓના આધારે ઍડ્વાઇઝરી જાહેર કરી છે.

jammu and kashmir srinagar national news