શિવસેનાએ મોદી સરકાર પાસે બે કૅબિનેટ અને એક રાજ્ય સ્તરના પદની માગણી કરી?

25 May, 2019 12:00 PM IST  |  | ધર્મેન્દ્ર જોરે

શિવસેનાએ મોદી સરકાર પાસે બે કૅબિનેટ અને એક રાજ્ય સ્તરના પદની માગણી કરી?

ચૂંટણી જીત પછી અમિત શાહ, ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડ્ણવીસ

સત્તાધારી એનડીએના ઘટક પક્ષ શિવસેનાએ કેન્દ્રના નવા પ્રધાનમંડળમાં પક્ષને વધારે પ્રતિનિધિત્વ અને મહત્વનાં મંત્રાલયોની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ૨૦૧૪નો ૧૮ બેઠકોનો આંકડો આ વખતે પણ જાળવી રાખનારી શિવસેનાના સંસદસભ્યોને મહત્વનાં પ્રધાનપદથી વંચિત રાખ્યાનો વસવસો પણ શિવસેનામાં પ્રવર્તે છે.

આગલી એનડીએ સરકારમાં શિવસેનાના એકમાત્ર પ્રધાન અનંત ગીતે આ ચૂંટણીમાં રાયગડની બેઠક પર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુનીલ તટકરે સામે હારી ગયા છે. શિવસેનાના અન્ય કેટલાક વરિષ્ઠ સંસદસભ્યોએ પણ તેમની બેઠકો ગુમાવી હોવાથી નવોદિતો માટે માર્ગ મોકળો બન્યો છે.

જોકે ૨૦૧૪માં એનડીએમાં જોડાયા છતાં પાંચ વર્ષમાં સાથીપક્ષને બદલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી રહેલી શિવસેનાએ આ વખતે કૅબિનટ સ્તરનાં બે પ્રધાનપદ અને રાજ્યસ્તરના એક પ્રધાનપદની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બે વર્ષ પહેલાં પ્રધાનમંડળના વિસ્તાર વખતે બીજેપીએ શિવસેનાને રાજ્યસ્તરના પ્રધાનપદની ઑફર કરી હતી, પરંતુ શિવસેનાએ એ ઑફર નકારી કાઢી હતી. એ વખતે પસંદ કરવામાં આવેલા શિવસેનાના રાજ્યસભાના સભ્યને પક્ષના નેતાઓએ નવા પ્રધાનોની શપથવિધિનો બહિષ્કાર કરીને મુંબઈ પાછા આવવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો:રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ

આગલી સરકારમાં શિવસેનાના દબાણ કે ધમકીઓને વશ નહીં થયેલા નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં પક્ષનાં સમીકરણો અને શક્યતાઓ સારાં રાખવાની દૃષ્ટિએ આ વખતે તેમની કૅબિનેટ કક્ષાની બે મિનિસ્ટ્રી અને એક જુનિયર મિનિસ્ટ્રીની માગણીને માન્ય રાખે છે કે નહીં એ જોવાનું રહે છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યા મુજબ  શિવસેના ફક્ત વધુ પ્રધાનપદથી રાજી નહીં થાય, તેમને મહત્વપૂર્ણ મંત્રાલયો પણ જોઈએ છે, કારણ કે અગાઉ ઓછું મહત્વ ધરાવતું મંત્રાલય શિવસેનાના સંસદસભ્યને સોંપવામાં આવ્યું હતું.

mumbai news uddhav thackeray