દુષ્કર્મને રોકવા દોષીઓને ભીડને સોંપી દો: જયા બચ્ચન

03 December, 2019 10:45 AM IST  |  New Delhi

દુષ્કર્મને રોકવા દોષીઓને ભીડને સોંપી દો: જયા બચ્ચન

જયા બચ્ચન

તેલંગણ રાજ્યના હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર સાથે હેવાનિયત અને શેતાનને પણ શરમાવે એવી ગૅન્ગરેપ અને મર્ડરની જઘન્ય ઘટનાનો પડઘો ગઈ કાલે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રમાં જોવા મળ્યો હતો જેમાં મહિલા સાંસદોએ આક્રોશ સાથે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો કે આવા કિસ્સામાં અપરાધીઓને તત્કાળ ફાંસી મળે એવો કાયદો હોવો જોઈએ. તો સપાનાં સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચને રોષ સાથે રાજ્યસભામાં એવું સૂચન કરતાં જણાવ્યું કે આવા કિસ્સામાં દોષી તત્ત્વોને જાહેરમાં લાવીને લોકોની વચ્ચે સોંપી દેવા જોઈએ અને જાહેરમાં જ તેમને માર મારીને રહેંસી નાખવા (મોબ લીચિંગ) જોઈએ જેથી તેમની સાથે લોકોએ કરેલી હાલત જોઈને બીજા કોઈ આવો ગુનો આચરવાની હિંમત નહીં કરે.

તેમણે સરકારનું ધ્યાન દોર્યું કે આ એ સમય છે જ્યારે જનતા ઇચ્છે છે કે સરકાર સમાજ અને મહિલા સુરક્ષા અંગે સાચો જવાબ આપે. બન્ને સદનના અધ્યક્ષોએ હૈદરાબાદની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. લોકસભામાં પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સૌ સહમત થતા હોય તો સરકાર વધુ કડક કાયદો ઘડવા તૈયાર છે. તો રાજ્યસભામાં અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ કહ્યું કે આવા કિસ્સામાં નવા કાયદાની નહીં, પણ રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. આ ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે.

લોકસભાનું કામકાજ આજે શરૂ થતાં જ હૈદરાબાદ ઘટનાનો કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ ઉલ્લેખ કર્યો હતો. દેશમાં બનતા આવા કિસ્સાઓ ચિંતાજનક છે અને સરકારે આવા ગુના માટેના કાયદામાં એવી કડક જોગવાઈ કરવી જોઈએ કે આવું જઘન્ય કૃત્ય આચરનારને વહેલામાં વહેલી તકે ફાંસીના માંચડે લટકાવી શકાય અને તેને દયા માટેની કોઈ છટકબારીનો લાભ ન મળે એવા સુધારા પણ થવા જોઈએ.

સાંસદોની લાગણી સાથે સંમત થતાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ આ ઘટનાને વખોડી કાઢીને કહ્યું કે દેશમાં બનતી ઘટનાઓથી સંસદ પણ ચિંતિત છે અને એના પર ચર્ચા માટે સમય પણ ફાળવ્યો છે જેના પગલે લોકસભામાં એના પર ચર્ચા યોજાઈ હતી.

જઘન્ય અપરાધોને રોકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી : એમ. વેન્કૈયા નાયડુ

લાંબી ચર્ચાના અંતે રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અંગે નવા બિલની જરૂર નથી. આવા ગુનાઓને રોકવા માટે જે મહત્વનું છે એ રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. ઉપરાંત સરકારી તંત્રની કામ કરવાની ક્ષમતા ખાસ કરીને પોલીસ તંત્રની ક્ષમતા, લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવું વગેરે કામો થશે તો જ આપણા સમાજમાંથી આ હેવાનિયત અને શૈતાનિયત દૂષણને નાબૂદ કરી શકાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જો આ પ્રકારના ગંભીર અને જઘન્ય અપરાધો સતત ચાલુ રહેશે તો બળાત્કાર કરનારને ભારે સજા ફટકારવા માટે દુષ્કર્મીની ઉંમર અંગે પુનર્વિચાર કરવો જોઇએ અને સરકાર એ માટે તૈયાર છે.

jaya bachchan national news