સિલેક્શન કમિટીની બેઠક બાદ રાહુલનું ટ્વિટ, શું CBI ચીફનું જવું નક્કી ?

10 January, 2019 04:38 PM IST  | 

સિલેક્શન કમિટીની બેઠક બાદ રાહુલનું ટ્વિટ, શું CBI ચીફનું જવું નક્કી ?

રાહુલ ગાંધીના પીએમ પર પ્રહાર

CBI ડિરેક્ટર આલોક વર્માને પદ પર યથાવત્ રાખવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સવાલ પૂછ્યો છે કે આખરે પીએમ CBI ચીફને કાઢવામાં આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના આ ટ્વિટ બાદ અંદાજ લગાવાઈ રહ્યો છે કે મોદી સરકાર વર્મા મામલે મોટો નિર્ણય લઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પસંદગી સમિતિમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા, અને ચીફ જસ્ટિસ સામેલ હોય છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી CBI ચીફને હટાવવા ઉતાવળા કેમ છે ? તેઓ CBI ચીફને પસંદગી સમિતિ સમક્ષ પોતાનો કેસ રાખવાની પરવાનગી કેમ નથી આપતા ? જવાબ - રાફેલ'

 

જો કે રાહુલ ગાંધીના આ ટ્વિટ બાદ પસંદગી સમિતિની બેઠકમાં હાજર રહેલા કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે બેઠક આજે 4 વાગે થવાની છે. બુધવારની બેઠકમાં અમે કહ્યું હતું કે અમને CVC રિપોર્ટ નથી મળ્યો અને રિપોર્ટ મળવા સુધી અમે અમારી વાત નહીં રાખી શકીએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર રાફેલ કૌભાંડ છુપાવવા માટે આલોક વર્માને પદ પરથી હટાવવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ નિર્મલા સીતારમન અંગેના નિવેદન પર ફસાયા, રાહુલ ગાંધીને મહિલા આયોગે ફટકારી નોટિસ

બુધવારે યોજાઈ હતી પસંદગી સમિતિની બેઠક

સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અંગે નિર્ણય લેવા માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી કમિટિની બુધવારે બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આલોક વર્માને પદ પર યથાવત્ રાખ્યા હતા. સરકારે 2 મહિના પહેલા તેમને ફરજિયાત રજા પર ઉતાર્યા હતા.

અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે પીએમ હાઉસમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. પરંતુ તેમાં શું નિર્ણય લેવાયો તે હજી સુધી સામે આવ્યું નથી. સરકાર તરફથી પણ બેઠકને લઈ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. નિયમો પ્રમાણે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કમિટીમાં સીજેઆઈ અથવા સુપ્રીમ કોર્ટના એક જજ અને લોકસભામાં વિપક્ષના નેતા સામેલ થતા હોય છે.

 

rahul gandhi narendra modi