રાહુલજીનું રાજીનામું દુર્ભાગ્યપૂર્ણ, તેઓ મારા નેતા રહેશે : અહેમદ પટેલ

05 July, 2019 11:24 AM IST  |  નવી દિલ્હી

રાહુલજીનું રાજીનામું દુર્ભાગ્યપૂર્ણ, તેઓ મારા નેતા રહેશે : અહેમદ પટેલ

અહેમદ પટેલ

રાહુલ ગાંધીએ બુધવારે કૉન્ગ્રેસ અધ્યક્ષપદેથી સત્તાવાર રીતે ખસી જવાની જાહેરાત કરી હતી અને આ સાથે જ હવે કૉન્ગ્રેસના નવા અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે બીજી તરફ કૉન્ગ્રેસના કેટલાક દિગજ્જ નેતાઓ રાહુલ ગાંધીને મનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધીએ પોતાના નિર્ણય પર અડગ હોવાનું સ્પષ્ટ રીતે જણાવી દીધું છે. રાહુલ ગાંધીનાં બહેન અને કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા વડ્રાએ રાહુલના રાજીનામાને લઈને જણાવ્યું કે, ‘રાહુલ ગાંધી તમે જે કર્યું છે, તેવી હિંમત ઘણા ઓછો લોકો વ્યક્ત કરી શકે છે. તમારા નિર્ણયનું સમ્માન કરું છું.’

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે રાહુલ ગાંધીના રાજીનામાને દુર્ભાગ્ય ગણાવ્યું હતું. અહેમદ પટેલે જણાવ્યું કે ‘રાહુલજીનું રાજીનામું દુર્ભાગ્યપૂર્ણ છે. અમે બધા જ કૉન્ગ્રેસના પરાજય બદલ જવાબદાર છીએ. રાહુલજીએ ટૂંકા ગાળામાં પક્ષને મજબૂત બનાવવા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. અમે સૌ ઈચ્છીએ છીએ કે તેઓ પક્ષનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે.’ અહેમદ પટેલના આ નિવેદનને કૉન્ગ્રેસના અન્ય નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું અને રાહુલ ગાંધીને અધ્યક્ષપદે ચાલુ રહેવા મનાવ્યા હતા.

કર્ણાટકના પ્રધાન અને વરિષ્ઠ કૉન્ગ્રેસ નેતા ડી. કે. શિવકુમારે પણ જણાવ્યું કે ‘ગાંધી પરિવાર વગર કૉન્ગ્રેસ એક રહી શકે નહીં, કૉન્ગ્રેસ વગર દેશ એક થઈ શકે નહીં. ગાંધી પરિવાર જ આ પક્ષનો સૌથી મજબૂત ભાગ છે. ગાંધી પરિવાર જ પક્ષને ફરી સત્તા પર લાવી શકે છે.’

રાહુલ ગાંધીએ બુધવારે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી જણાવ્યું કે ‘હું કૉન્ગ્રેસનો અધ્યક્ષ નથી અને પક્ષે હવે જલદી નિર્ણય લેવો જોઈએ.’

rahul gandhi national news congress