રાહુલ ગાંધી લંડનવાળા કે દિલ્હીવાળા...

01 May, 2019 08:05 AM IST  |  દિલ્હી

રાહુલ ગાંધી લંડનવાળા કે દિલ્હીવાળા...

રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીના માહોલમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો વિવાદ વધી રહ્યો છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે બ્રિટિશ નાગરિકતા વિશે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા સુબ્રમણ્યમ સ્વામી તથા અન્યોના આરોપ બાબતે નોટિસ મોકલીને રાહુલ ગાંધી પાસે પખવાડિયામાં સ્પષ્ટતા માગી છે. એ સાથે બીજેપીએ રાહુલ ગાંધીની દરેક બાબત શંકાસ્પદ ગણાવતાં આરોપબાજી શરૂ કરી છે.

બીજેપીના પ્રવક્તા સંબિત મહાપાત્રે રાહુલ ગાંધીનું અસલ સરનામુ લંડનનું છે કે દિલ્હીના લુટિયન્સ વિસ્તારનું છે એની સ્પષ્ટતા માગી હતી. સંબિત મહાપાત્રે જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી માટે વિકલ્પરૂપ શબ્દ ‘કન્ફ્યુઝન’ છે. તેમનો પ્રવાસ, તેમની કંપની, તેમની ડિગ્રી સહિત બધું જ શંકાસ્પદ છે. તેઓ કઈ-કઈ કંપનીના ડિરેક્ટર છે એ રહસ્ય છે. નાગરિકતા વિશેનો ભ્રમ ખુદ રાહુલ ગાંધીએ પેદા કર્યો છે. તેમના પગલાનાં નિશાન હિમમાનવ (યતી) જેવાં છે. એ પગલાં કઈ દિશામાં જાય છે એનો કોઈને ખ્યાલ આવતો નથી. બૅકોપ્સ લિમિટેડ નામની ૨૦૦૩ની ૨૧ ઑગસ્ટે બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપની ૨૦૦૯ની ૧૭ ફેબ્રુઆરીએ બંધ થઈ ગઈ હતી. એ કંપનીના રેકૉર્ડમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક નોંધવામાં આવ્યા છે. તેમના નાગરિકતાના તમામ દસ્તાવેજો આધારભૂત હોવાથી હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવી જ જોઈએ.

પ્રિયંકાએ કર્યો બચાવ

નાગરિકતાના વિવાદને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના બચાવ માટે તેમનાં બહેન અને પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ‘બકવાસ’ ગણાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ‘સમગ્ર રાષ્ટ્ર જાણે છે કે રાહુલ ગાંધી ભારતીય છે. રાહુલનો જન્મ ભારતીયો સમક્ષ થયો અને સૌની સામે એનો ઉછેર થયો છે. આખો દેશ જાણે છે કે એ જૂઠાણું છું.’

આ પણ વાંચો : રાફેલ મામલોઃ સુપ્રીમે કેંદ્ર સરકારને 4 મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આપ્યો આદેશ

વિવાદ વધતાં કૉંગ્રેસે દસ્તાવેજ જાહેર કર્યા

કૉંગ્રેસે આ કંપની બેકઑપ્સના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ દસ્તાવેજો મુજબ રાહુલ આ કંપનીના ડાયરેક્ટર્સમાં ચોક્કસ સામેલ હતા, પરંતુ તેઓએ પોતાને ભારતીય નાગરિક જ બતાવ્યા હતા, દસ્તાવેજમાં પણ રાહુલની નાગરિકતાવાળી કૉલમની આગળ ભારતીય જ લખવામાં આવ્યું છે.

rahul gandhi delhi subramanian swamy congress bharatiya janata party