મેં વારાણસીમાં વિકાસના પુરાવા શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહીં : પ્રિયંક

30 March, 2019 09:14 AM IST  |  વારાણસી

મેં વારાણસીમાં વિકાસના પુરાવા શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહીં : પ્રિયંક

પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીમાં

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અયોધ્યામાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે પાંચ વર્ષ સુધી દુનિયાભરના નેતાઓને ગળે લગાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાના જ નેતાઓને ગળે મળવાનો સમય નથી મળ્યો. વડા પ્રધાન પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનાં ગામોમાં લોકોને મળવા પણ નથી ગયા. પ્રિયંકાએ મતદારોને એમ પણ જણાવ્યું કે મને તમારાથી ફરિયાદ છે. નેતા જ્યારે તમારી વચ્ચે આવે તો તેને તમારાથી ગભરાવવું જોઈએ નહીં કે તમારે નેતાથી. એટલા માટે જ આજે નેતાને પ્રજાની કંઈ પડી નથી.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ભાજપ સરકાર પ્રજાવિરોધી છે, ખેડૂતો અને યુવાનોવિરોધી છે. આ સરકાર કામ નથી કરવા માગતી અને તમારું સાંભળતી પણ નથી. આ સરકાર ફક્ત ઉદ્યોગપતિઓની સરકાર છે અને યુવાનો અવાજ ઉઠાવે છે તો તેમને લાકડીઓ પડે છે. તેમણે જણાવ્યું કે ભાજપના શાસનમાં બેરોજગારો પર લાકડીઓ વરસાવવામાં આવી. ખેડૂતો દેવાંમાં ડૂબેલા છે અને તેમની મદદ કરાતી નથી.

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, ‘મહિલાઓ જણાવે છે કે તેઓ અસુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે. હું વારાણસી ગઈ ત્યારે લોકોને પૂછ્યું કે વિકાસ થયો છે તો ત્યાંના લોકોએ જણાવ્યું કે ફક્ત દેખાડાનો વિકાસ થયો છે. પાંચ વર્ષના કાર્યકાળમાં વડા પ્રધાન મોદી વારાણસીના એક પણ ગામમાં ડોકાયા નથી. તેમને દુનિયાભરના નેતાઓને ગળે મળતા જોયા, પરંતુ પોતાના જ મતક્ષેત્રના લોકોને ગળે લગાવતા જોયા નહીં. મેં વારાણસીમાં વિકાસના પુરાવા શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહીં. વડા પ્રધાન પોતાનાં વચનો પર જવાબ આપે.

આ પણ વાંચો : 2019માં તો હું જ છું, 2024માં જોઈશું: મોદી

પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો કે સરકાર ઉદ્યોગપતિઓ માટે છે, ગરીબો માટે નહીં. કૉંગ્રેસ સરકારે આનાથી વિપરીત મનરેગા યોજના શરૂ કરી, જેનો ભાજપે વિરોધ કર્યો હતો. મનરેગા યોજના ગામડાના લોકોને પસંદ આવી. આજે મનરેગા હેઠળ કામ કરનારા લોકોને છ-છ મહિનાથી નાણાં નથી ચૂકવવામાં આવ્યાં. મનરેગાનાં કામો કૉન્ટ્રૅક્ટરોને આપવામાં આવે છે. આ યોજનાને બંધ કરાઈ રહી છે.

national news varanasi Lok Sabha Election 2019 priyanka gandhi narendra modi