સેનાના નામે મત માગવાને લીધે સૈનિકો નારાજ, રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

13 April, 2019 08:52 AM IST  | 

સેનાના નામે મત માગવાને લીધે સૈનિકો નારાજ, રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

દેશના આઠ ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યો છે. સૈન્યના પ્રમુખે કહ્યું છે કે ‘રાષ્ટ્રપતિ તમામ રાજનૈતિક દળોને કોઈ પણ મિલિટરી ઍક્શન અથવા ઑપરેશનનું રાજનીતિકરણ ન કરવા માટે નિર્દેશ આપે.’ ભૂતપૂર્વ સેના અધ્યક્ષોની આ અપીલ પ્રથમ ચરણના મતદાનના થોડા કલાક બાદ સાર્વજનિક થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘મહોદય, રાજનેતા બૉર્ડર પરની કાર્યવાહીઓ જેવી કે મિલિટરી ઑપરેશન્સની ક્રેડિટ લઈ રહ્યા છે અને આનાથી પણ બે પગલાં આગળ જતાં દેશની સેનાને મોદીજીની સેના ગણાવી રહ્યા છે. આ તદ્દન અસામાન્ય અને અસ્વીકાર્ય છે.’

જોકે પત્રમાં કોઈ પણ ખાસ રાજનૈતિક દળ અથવા નેતાનું નામ નથી લખવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી જગ્યાએ સેનાની કાર્યવાહીનો રાજનૈતિક ઉપયોગ થતો દેખાયો છે. સ્થિતિ એ ઊભી થઈ કે ખુદ ચૂંટણી આયોગને આ મામલે દખલ કરવી પડી અને સેના સાથે જોડાયેલાં પોસ્ટરો તેમ જ બૅનરોના ઉપયોગ પર રોક લગાવવી પડી. મંગળવારે વડા પ્રધાન મોદીએ પ્રથમ વાર વોટ આપનારા મતદારોને તેમનો વોટ બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને પુલવામાના શહીદોને સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. એ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં સુરક્ષા દળોને મોદીજીની સેના કહીને સંબોધિત કર્યાં હતાં.

અમે પત્ર નથી લખ્યો

ભૂતપૂર્વ સેનાપ્રમુખોએ સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉપયોગને લઈને રાષ્ટ્રપતિને લખાયેલા પત્રને ખોટો ઠરાવ્યો છે. ભૂતપૂર્વ સૈનિકોએ કહ્યું કે અમે સેનાના રાજનીતિક ઉપયોગ સંબંધી પત્ર રાષ્ટ્રપતિને લખ્યો નથી. પત્ર પર જે લોકોના હસ્તાક્ષર છે એમાં પભૂતૂર્વ સેનાપ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસ. એફ. રૉડ્રિગ્ઝ, જનરલ (સેવાનિવૃત્ત) શંકર રૉય ચૌધરી અને જનરલ (સેવાનિવૃત્ત) દીપક કપૂર, ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પ્રમુખ ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) એન. સી. સૂરિ સામેલ છે.

જોકે ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસ. એફ. રૉડ્રિગ્ઝે આ પ્રકારના કોઈ પણ પત્ર લખવા વિશે ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે સર્વિસ દરમિયાન અમે જે સરકાર હોય એના આદેશને ફૉલો કરીએ છીએ. સેનાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા હોતી નથી. કોઈ કશું પણ કહી શકે છે અને એને ફેક ન્યુઝ બનાવીને વેચી શકે છે. જેમણે આ બધું લખ્યું છે એ લોકો કોણ છે એ હું જાણતો નથી.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાની ક્યારેક ગ્રેજ્યુએટ તો ક્યારેક બી.કોમ સ્ટુડન્ટ : કોંગ્રેસ

ભૂતપૂર્વ ઍર ચીફ માર્શલ એન. સી. સૂરિએ પણ આ વાતતો ઇનકાર કર્યો છે. સૂરિએ કહ્યું કે આ પત્રમાં જેકાંઈ લખ્યું છે એનાથી હું સહમત નથી. અમારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

ram nath kovind national news Lok Sabha Election 2019