પેટ્રોલના ભાવમાં 14 અને ડીઝલમાં 15 પૈસાનો વધારો

18 September, 2019 01:16 PM IST  |  નવી દિલ્હી

પેટ્રોલના ભાવમાં 14 અને ડીઝલમાં 15 પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલ

સાઉદી અરબના તેલ પ્લાન્ટ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાને કારણે ક્રૂડ ઑઇલ માર્કેટમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે. આ દરમ્યાન ભારત માટે માઠા સમાચાર મળી રહ્યા છે, કારણ કે અરામકો તેલ પ્લાન્ટ પર થયેલા હુમલાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પાંચ જુલાઈના સામાન્ય બજેટના દિવસ પછી સૌથી મોટો ભાવવધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૪ પૈસા વધીને ૭૨.૧૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૧૫ પૈસા વધીને ૬૫.૫૮ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. દેશની સરકારી તેલ કંપનીઓએ આ માહિતી આપી હતી.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી હતી. ત્યાર બાદ એના ભાવમાં અંદાજિત અઢી રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સોમવારે ૨૦ ટકાના ભાવવધારા સાથે ભારતમાં સરકારી ઑઇલ વિતરણ કંપનીઓએ ગઈ કાલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજિત ૩૦ વર્ષ બાદ ક્રૂડ ઑઇલના ભાવમાં છેલ્લા એક દિવસમાં આટલો મોટો ભાવવધારો થયો છે. બજારમાં હવે ૧૫ ટકા તેજી સાથે માર્કેટ બંધ થયું હતું. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટ થોડું નીચે ચાલી રહ્યું હતું, પરંતુ હુમલાના વળતા પ્રહારમાં સૈન્ય કાર્યવાહીની આશંકાએ બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : અયોધ્યા મામલે 'સુનાવણીની ડેડલાઈન નક્કી'! નવેમ્બરમાં આવી શકે છે ચુકાદો

ગઈ કાલે બ્રેન્ટ ક્રૂડ ઑઇલ થોડા દિવસોની સરખામણીએ ૩૬ સેન્ટ એટલે કે ૦.૫૦ ટકા ઘટીને ૬૮.૬૬ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહ્યું હતું. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારત દરેક સ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે. ભારત દુનિયાનું સૌથી મોટું ત્રીજું પેટ્રોલિયમ ગ્રાહક છે. ધર્મન્દ્ર પ્રધાને દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે કિમતો ઊછળે છે ત્યારે ચિંતા અવશ્ય થાય છે. શનિવારની ઘટના બાદની સ્થિતિ અમારા માટે ચિંતાજનક છે.

new delhi