પાક.એ ૭ વર્ષમાં સરહદે ૬૯૪૨ વાર થયું ફાયરિંગ, ૯૦ સુરક્ષા-કર્મચારીઓ શહીદ

22 September, 2019 04:32 PM IST  |  મુંબઈ ડેસ્ક

પાક.એ ૭ વર્ષમાં સરહદે ૬૯૪૨ વાર થયું ફાયરિંગ, ૯૦ સુરક્ષા-કર્મચારીઓ શહીદ

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) બૉર્ડર પર છેલ્લાં સાત વર્ષમાં ગોળીબાર અને સીઝફાયરની કેટલી ઘટનાઓ થઈ છે એના સંબંધમાં મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષોમાં ક્રૉસ બૉર્ડર ફાયરિંગ અને સીઝફાયર ઉલ્લંઘનના ૬૯૪૨ કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાઓમાં ૯૦ સુરક્ષાકર્મી શહીદ થયા અને ૪૫૪ ઘાયલ થયા. આ જાણકારી ભારત સરકાર દ્વારા ઍક્ટિવિસ્ટ ડૉ. નૂતન ઠાકુરને આપવામાં આવી છે જેમણે આ માહિતી માગી હતી.

આપવામાં આવેલી માહિતી અનુસાર ૨૦૧૩થી ઑગસ્ટ ૨૦૧૯ વચ્ચે જમ્મુ-કાશ્મીરના લાઇન ઑફ કન્ટ્રોલ અને ઇન્ટરનૅશનલ બૉર્ડર પર ૬૯૪૨ ક્રૉસ બૉર્ડર ગોળીબાર અને સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ થઈ છે. ઍક્ટિવિસ્ટે ૨૦૧૩થી અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા હુમલા અને ગોળીબારની જાણકારી તેમ જ ઘટનાઓમાં શહીદ અને ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની જાણકારી પણ માગી હતી.
ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી મહિતીમાં એ પણ જણાવાયું કે આ સમયગાળામાં સેનાના ૯૦ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જ્યારે ૪૫૪ ઘાયલ થયા. સૌથી વધારે ઘટના ૨૦૧૮માં ૨૧૪૦ થઈ, એ સિવાય ઑગસ્ટ ૨૦૧૯ સુધીમાં ૨૦૪૭ અને ૨૦૧૭માં ૯૭૧ હુમલા થયા. ૨૦૧૩માં ૩૪૭ અને ૨૦૧૪માં ૫૮૩ હુમલા થયા હતા.

ચાલુ વર્ષે પાકિસ્તાને ૨૦૫૦ વખત સીઝફાયરનો ભંગ કર્યો

રાજૌરી-પૂંછમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું: ભારતનો જડબાતોડ જવાબ

રાજૌરી : (જી.એન.એસ.) પાકિસ્તાની દળોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં લાઇન ઑફ કન્ટ્રોલ (એલઓસી) નજીક સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું છે. બૉર્ડર આસપાસનાં ગામડાંઓ તેમ જ ફૉર્વર્ડ પોસ્ટ પર શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું.
પાકિસ્તાન દળોએ કોઈ પણ ઉશ્કેરણી વગર પૂંછના બાલાકોટ સેક્ટર અને રાજૌરીના નૌશેરા સેક્ટરમાં હળવાં હથિયારોથી ફાયરિંગ કર્યું હતું તેમ જ મોર્ટારમારો પણ કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યાર બાદ ભારતીય લશ્કરે પ્રતિકાર કરતાં વળતો જવાબ આપ્યો હતો.
શુક્રવારે રાત્રે ૮-૧૦ વાગ્યા વચ્ચે નૌશેરામાં સૌપ્રથમ સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું હતું. ત્યાર બાદ રાત્રે ૧૧.૪૫-૨ વાગ્યાની વચ્ચે બાલાકોટમાં મોર્ટરમારો કરાયો હોવાનું આર્મી પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે બન્ને હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચાલુ વર્ષે પાકિસ્તાને ૨૦૫૦ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ૨૧ ભારતીયોના જીવ ગયા છે તેમ જ કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

pakistan india national news